Friday, 5 August 2016

[amdavadis4ever] જુઠ્ઠાણાઓ ને આપણે પોત ે જ સત્ય મા નતા થઈ ગયા. ..પરિસ્થિત િના પૂરમાં બધું જ તણાઈ જાય ત્યારે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુજરાતીમાં જે એવરગ્રીન પુસ્તકો છે એમાંનું એક છે 'પરમ સમીપે'. કુન્દનિકા કાપડીયા સંપાદિત/ અનુદિત પ્રાર્થનાઓના આ પુસ્તકની ખૂબી એ છે કે જ્યારે એ હાથમાં આવે ને ગમે ત્યાંથી એકાદ પાનું વાંચો તો તમારે બૅક ઍન્ડ ફોર્મ જોઈને આખું પુસ્તક પૂરું કરવું જ પડે અને પૂરું કર્યા પછી તમારો બાકીનો આખો દિવસ મઘમઘ થઈ જાય. અને જીવનમાં જો એ બધી વાતો ઉતારી શકો તો બાકીનું આખું જીવન પણ.

કુન્દનિકાબહેન પ્રસ્તાવનામાં જણાવે છે એમ આ સંકલનની પ્રાર્થનાઓ પાંચ વિભાગમાં વહેંચાયેલી છે. પહેલા વિભાગમાં વૈદિક- પૌરાણિક પ્રાર્થનાઓ છે. બીજા વિભાગમાં સંત જ્ઞાનેશ્ર્વરથી ગુરુદયાળ મલ્લિક સુધીના પ્રસિદ્ધ સંતો- ભક્તોના ઉદ્ગારો છે. ત્રીજા વિભાગમાં મુખ્યત્વે વિદેશી લેખકો- કવિઓનું ભાવ-નિવેદન છે. ચોથા વિભાગમાં તથા પાંચમા વિભાગમાં જે રચનાઓ છે તેમાં કેટલીક કુન્દનિકાબહેને પોતે સ્વતંત્રપણે રચેલી છે અને કેટલીક પ્રાર્થનાને લગતાં અનેક અંગ્રેજી પુસ્તકો એમણે વાંચ્યાં તેની છાયા હેઠળ રચાયેલી છે.

એક પ્રાર્થનાના શબ્દો છે:

આજે મને સમજાયું છે પ્રભુ, કે

તારી સ્તૃતિ કરતાં પહેલાં

મારી વાણીને મારે શુદ્ધ કરવી જોઈએ.

જે વાણી વડે હું તારી સાથે વાતો કરવા ઈચ્છું

તે વાણી સત્યપૂત, પવિત્ર, મૃદુ હોવી જોઈએ.

ઉતાવળ, અધીરતા અને અણસમજથી

અમે ગમે તેમ બોલી નાખીએ છીએ

અને બીજાના હૃદયને આઘાત કરીએ છીએ.

ભાવ ને નિષ્ઠા વિનાના

જેમાં અમે હૃદય મૂકયું નથી તેવા

ઠાલા શબ્દો ઉચ્ચારીએ છીએ,

વચન આપીને પાળતા નથી.

અમારા શબ્દો

અહંકાર અને આત્મપ્રશંસામાંથી

ઈર્ષ્યા અને ગુપ્ત ઘૃણામાંથી

બીજાની નિંદા અને

પોતાના સરસાઈના ભાવમાંથી પ્રગટ થાય છે.

વાક્પટુતાને જોરે અમે

ખોટી વાતોનું પ્રતિપાદન કરીએ છીએ.

વાચાળ બનીને જરૂર વગર બોલતાં રહીએ છીએ.

અજાગૃતિમાં એકની એક વાત

ફરી ફરી કરીએ છીએ.

બીજાની વાતો ક્યારેય તલ્લીનતાથી,

એકચિત્તે સાંભળતા નથી.

પ્રશ્ર્ન પૂછીને, જવાબ સાંભળ્યા વિના,

પોતાની વાત ઉત્સુકતાથી કહેવા માંડીએ છીએ.

અમારી સઘળી વાતોનું અમે જ કેન્દ્ર બની રહીએ છીએ.

ચર્ચાવિચારણામાં મારો ફાળો આપું

પણ મારી જ વાત સાચી

ને બીજા ખોટા એવો આગ્રહ ન રાખું.

પછી મારી વાણી સત્ય અને પ્રેમમાંથી જન્મશે.

તે તિરાડ પાડનારી નહિ પણ સાંધનારી બનશે.

મારા શબ્દો મધુર અને હિતકર હશે.

મારી વાણી શુદ્ધ બનશે.

પછી એ વાણી વડે

હું તારી સાથે વાતો કરી શકીશ,

પ્રભુ!

મને વિશ્ર્વાસ છે કે તું એ સાંભળશે.

માણસના મનની તમામ નબળાઈઓની કબૂલાત આ પ્રાર્થનામાં થઈ. ભગવાન સાથે વાત કરતાં પહેલાં આપણી આસપાસના લોકો સાથે વાત કરતાં શીખીએ. ન તો આત્મકેન્દ્રી બનીને પોતાની જ વાતો કરતાં રહીએ, ન આવેશમાં આવીને એવા શબ્દો બોલી નાખીએ જે ઉચ્ચાર્યા પછી અફસોસ થાય. હૈયે હોય તે જ હોઠે આવી જાય એ સાચું જ કહ્યું છે. હોઠ પર ન આવે તે માટેનો ઉત્તમ ઉપાય એ કે હૈયામાં જ ન હોય. કોઈના માટેનો અણગમો, ગુસ્સો, નારાજગી, ધુત્કાર આ બધું હૈયામાં જ નહીં હોય તો ક્યારેય આવેશની પળોમાં પણ તે હોઠ પર નથી આવવાનું. સદ્ભાવ, હૂંફ અને કાળજી હૈયામાં હશે તો એ ભલે હોઠ પર આવી જતી.

ટીવી જોઈ જોઈને આપણે બગડી ગયા છીએ. સિરિયલો અને ન્યૂઝની ડિબેટ્સ બેઉ આપણી ભાષાને બગાડે છે, આપણી અભિવ્યક્તિને ગંદી કરી નાખે છે. સિરિયલો જોઈ જોઈને સામેવાળી વ્યક્તિનું અપમાન કરવાનું જાણે નૉર્મલ બીહેવિયર હોય એવું માનતા થઈ ગયા છીએ. ન્યૂઝની ડિબેટ્સ જોઈ જોઈને બીજું બોલતું હોય તો એને કાપીને આપણી દલીલો તારસ્વરે ઉચ્ચારતા થઈ ગયા છીએ. સામાવાળાની વાત ગમે એટલી સારી હોય તોય એને સ્વીકારવી નહીં એવી ટેવ પડી ગઈ છે.

ભગવાન સાથે વાતો કરવા વાણીને શુદ્ધ કરવી પડશે અને વાણીની શુદ્ધિ ત્યારે જ આવશે જ્યારે મન ચોખ્ખું હશે અને મન ચોખ્ખું રાખવા માટે જે કંઈ મનમાં પ્રવેશે છે તે શુદ્ધ હોય એની ચોકસાઈ રાખવી પડે. આપણે જે સાંભળીએ છીએ, જોઈએ છીએ, વાંચીએ છીએ, વિચારીએ છીએ એ બધો માલ ઉકરડામાંથી આવતો ન હોય એનું ધ્યાન રાખવું પડે. આજકાલ બને છે એવું કે ઉકરડાના માલ પર સુગંધી સ્પ્રે છાંટવામાં આવે છે ને આપણે છેતરાઈ જઈએ છીએ. પીળું એટલું સોનુું નહીં એ જ રીતે સુગંધિત એટલું બધું જ સ્વીકાર્ય નહીં એ સમજવું જોઈએ.

બોલતી વખતે કેટકેટલા દોષ કરતા હોઈએ છીએ. ક્યારેક કોઈની નિંદા તો ક્યારેક કોઈની તદ્દન જુઠ્ઠી પ્રશંસા. ક્યારેક ભય તો ક્યારેક લાલચ તમારી પાસે ન બોલવાનું બોલાવે છે. ક્યારેક કોઈની પ્રશંસા ઉઘરાવવા તો ક્યારેક માન મેળવવા એવું એવું બોલી નાખીએ છીએ જેને હકીકત સાથે કોઈ લેવાદેવા નથી એવું આપણે જાણીએ છીએ છતાં એટલી સાહજિકતાથી એ બનાવટી શબ્દો ઉચ્ચારીએ છીએ કે સામેવાળી વ્યક્તિ તરત પ્રભાવિત થઈ જાય. સ્વાભાવિકતાથી એટલા માટે ઉચ્ચારીએ છીએ કારણ કે હવે આવી બનાવટ કરવાની ટેવ પડી ગઈ છે. આપણા જુઠ્ઠાણાઓને આપણે પોતે જ સત્ય માનતા થઈ ગયા છીએ.

બોલવું, બોલવું અને બસ બોલ્યા જ કરવું. ફોન પર દર ત્રીજે વાક્યે 'બોલો, બીજા શું ખબર' એવું બોલાશે તો ઑટોમેટિક ફોન બંધ થઈ જશે એવી ડિવાઈસ આપી છે એવી મજાક કરતો વૉટ્સઍપ તમે પણ વાંચ્યો હશે. ઊમળકા વિનાના સંવાદ વખતે આવા જ પ્રશ્ર્નો પૂછાતા રહે અને જવાબમાં કહેવાતું રહે: બસ,/ કંઈ નહીં. તમે આપો તે!

તમારી પાસે અત્યારે બધું જ છે. પદ, પ્રતિષ્ઠા, પૈસો, સંતાનસુખ, સંબંધો, સ્વાસ્થ્ય અને સલામતી બધું જ. કાલ ઊઠીને કંઈક એવું બને કે એક ઝંઝાવાતમાં આ બધું જ ફેંકાઈ જાય. લોકો તમારી હાંસી ઉડાવે, તમારું અપમાન કરતા થઈ જાય. બની શકે આવું. કોઈની પણ સાથે બની શકે. એટલે જ કુન્દનિકા કાપડીઆ સંપાદિત 'પરમ સમીપે'માંની આ પ્રાર્થના યાદ રાખવાની:

પરમાત્મા, હું પ્રાર્થના કરું છું કે

મારા સુખમાં મત્ત બની હું કોઈની અવજ્ઞા ન કરું.

સ્વજનોના સ્નેહને સ્વત:સિદ્ધ અધિકાર ન માની લઉં

સાનુકૂળતાના જોર પર મારી જાતને અજેય્ય ગણી

મને કોઈ દિવસ કાંઈ થવાનું નથી એવા ભ્રમમાં ફસાઈ ન જાઉં.

બધું સવળું ચાલતું હોય ત્યારે

એને મારી હોશિયારી અને આવડતનું પ્રમાણ લેખી

તારી કાંઈ જરૂર જ નથી એમ માની ન બેસું.

અને જ્યારે બધું જ અવળું પડે

ધારેલું ન મળે, અને મળ્યું હોય તે છિનવાઈ જાય

ત્યારે એ તારી અવકૃપા છે

એમ સમજવાની મોટી ભૂલ પણ ન જ કરું.

કારણ કે ભગવાન,

બધું આપવા પાછળ તારો હેતુ છે,

બધું લઈ લેવા પાછળ પણ તારો ચોક્કસ હેતુ છે.

બંનેમાં તારી કૃપા જ કામ કરે છે...

(આટલું હું સમજું)

એવી મને સ્થિરતા આપજે,

એવી મને ગતિ આપજે

બે પરિસ્થિતિ જિંદગીમાં કાયમની રહેવાની. ગમે એટલા સુખી હોઈએ તે છતાં જીવનમાં કેટલાક પ્રશ્ર્નો, કેટલીક સમસ્યાઓ, કેટલીક મૂંઝવણો સતાવ્યા કરશે. બસ, આ એક પ્રશ્ર્ન-સમસ્યા-મૂંઝવણ ઉકેલાઈ જાય તો બધું જ 

બરાબર થઈ જાય, પછી કશું જ નથી જોઈતું એવું મૂકેશભાઈને પણ લાગવાનું અને એમના ૨૭ માળના બંગલાની ચોકી કરનારા ચોકીદારને પણ. અને એ એક પ્રશ્ર્ન ઉકેલાઈ ગયા પછી થોડાક દિવસ, થોડાક સપ્તાહની ઉજવણી કર્યા બાદ ફરી એક વાર કોઈ નવા પ્રશ્ર્ન વિશે, નવી સમસ્યા વિશે કે નવી મૂંઝવણ વિશે લાગવાનું કે બસ, આ એક વાત ઉકલી જાય તો ગંગા નાહ્યા. આ ચક્કર છેલ્લા શ્ર્વાસ સુધી અટકવાનું નથી. માટે બહેતર છે કે અત્યારે, આ ઘડીએ જ એને રોકી દઈએ. પેલાં પ્રશ્ર્ન - સમસ્યા - મૂંઝવણ ઉકેલાશે ત્યારની વાત ત્યારે, અત્યારે એની ફિકર છોડીને જે કઈ મળ્યું છે, જેટલું મળ્યું છે તેને ભરપૂર માણી લઈએ, એમાંથી છેલ્લામાં છેલ્લું ટીપું નિચોવીને છલોછલ રહીએ.

બીજી પરિસ્થિતિ દુખની કે જ્યારે બધું જ આ પરિસ્થિતિના પૂરમાં તણાઈ ગયું હોય. પહેરેલાં કપડાં સિવાય કંઈ જ બચ્યું ન હોય એવા સંજોગો ઊભા થયા હોય. તમારા અસ્તિત્વની ભગવાનને પોતાને કંઈ પડી નથી તો પછી આ દુનિયાને શું કામ તમારી પડી હોય એવા વિચારોના ધુમાડાથી દિમાગમાં પ્રદૂષણ ફેલાઈ ચૂક્યું હોય. આવા સંજોગોમાં ભૂલી જઈએ છીએ કે હજુ પણ આપણી પાસે કંઈક તો બચ્યું છે. એને તમે જે નામ આપો તે. એના આધારે તમે અત્યારની આ પળે જીવી રહ્યા છો. આવી રહેલી પળ પણ જીવવાના છો. અને આવતી કાલની, અને પરમ દિવસની... બસ, એના જોરે નવું ભવિષ્ય ઘડાવાનું છે. એના જોરે જ, જે કંઈ ગયું છે તેના કરતાં અધિક મૂલ્યવાન પાછું આવવાનું છે.

પણ આ બંને પરિસ્થિતિઓમાં સમતા ત્યારે જાળવી શકીએ જ્યારે એક ખાતરી હોય. કઈ ખાતરી? 'પરમ સમીપે'ની બીજી એક પ્રાર્થનાના શબ્દો છે:

જવાબ આપવાની તમારી પોતાની રીત છે.

જવાબ આપવાનો તમારો પોતાનો સમય છે.

તમે એકી સપાટે બધાં વિઘ્નો દૂર કરી દો એમ બને

અથવા ખબર પણ ન પડે એમ ધીરેથી સંજોગો બદલી નાખો, એમ પણ બને

પણ અમને એટલી તો ખાતરી જ છે કે અમે ઊંડી આરતથી પ્રાર્થના કરીએ તો,

તમારી સહાય મળ્યા વગર રહેતી નથી;

પછી ભલે એનું સ્વરૂપ અમારી કલ્પના પારનું હોય!

તમે ગમે એટલી મોટી આપત્તિમાં ફસાયા હો ત્યારે કે પછી તમે ગમે એટલી ઊંચી સિદ્ધિનાં શિખરો સર કરતા હો ત્યારે - તમારા જીવનમાં મિત્રો ન હોય તો જીવન આકરું બની જવાનું, બેસ્વાદ બની જવાનું. મિત્રો જૂના હોઈ શકે, નવા હોઈ શકે તેમ જ અત્યાર સુધી ક્યારેય તમારા પરિચયમાં ન આવ્યા હોય એવા પણ હોઈ શકે. મૈત્રીની સોગાદ કઈ જીવનનો કંટાળો દૂર કરવા માટે નથી મળતી. પાછલી ઉંમરે એકલા ન પડી જઈએ એ માટે પણ નથી મળતી. આ બધાં તો બહુ ટૂંકા સ્વાર્થો થયા. મૈત્રીની પ્રાપ્તિ થતી હોય છે જીવનને વિશાળ બનાવવા, દૃષ્ટિને ઉદાર બનાવવા, ચોવીસ કલાકના દિવસને ૪૮ કલાકનો બનાવવા. મિત્રો સાથે આજે ગાળેલો એક કલાક ભવિષ્યમાં તમને અનેક કલાકો ગાળ્યા હોય એવા ભરપૂર બનાવી દે છે. દરેક મિત્ર તમારા જીવનના કોઈના કોઈ ખૂણાને એવી રીતે અજવાળે છે જેના પ્રકાશમાં તમે દુનિયા સમક્ષ ઝગમગતા લાગો છો. મિત્રો નથી હોતા ત્યારે જિંદગી બુઝાયેલી લાગે છે.

કુન્દનિકા કાપડીઆએ 'પરમ સમીપે'માં મિત્રો વિશેની એક એવી અમર પ્રાર્થનાનો સમાવેશ કર્યો છે જે પરમ દિવસે ફ્રેન્ડશિપ ડે ન હોત તો પણ મેં આખેઆખી અહીં ટાંકી હોત કારણ કે આ પ્રાર્થના માત્ર ઑગસ્ટના પ્રથમ રવિવારની નથી, આ પ્રાર્થના ત્રણસોને પાંસઠ દિવસની પ્રાર્થના છે. આ એક જ પ્રાર્થના કરી હોય તો જીવનમાં બીજી કોઈ પ્રાર્થના નહીં કરીએ તો ચાલશે. આ જ પ્રાર્થના જો દિલથી કરી હશે તો ઈશ્ર્વર એનું જે ફળ આપશે તે બીજી તમામ પ્રાર્થનાઓનાં ફળ કરતાં અનેકગણું મૂલ્યવાન હશે. દીપિકા પદુકોણની જેમ લાંબી છે. પણ એને જેમ આખેઆખી જોવાની મઝા આવે એમ આને પણ આખેઆખી માણવાની મઝા આવશે એટલે એક પણ શબ્દ કાપ્યા વિના કવોટ કરીને આજે પૂરું કરું છું.

હે પરમેશ્ર્વર,

તેં અમને ઉત્તમ મિત્રો આપ્યા છે

તે માટે હું તારો આભાર માનું છું.

મિત્રો -

જેમના સાથમાં દુ:ખો વહેંચાઈ જાય છે

અને આનંદ બેવડાય છે,

જેમની સમક્ષ અમે જેવા છીએ તેવા જ

પ્રગટ થઈ શકીએ છીએ

અને જેમની પાસે

નિખાલસપણે હૃદય ખોલી શકીએ છીએ.

જેઓ અમારી નિર્બળતાની જાણ સાથે અમને સ્વીકારે છે

અને અમારામાં એવી લાગણી પ્રેરે છે

કે તેમને અમારી જરૂર છે.

જેમને મળીને અમે હળવા થઈએ છીએ

અને સમૃદ્ધ પણ થઈએ છીએ.

ગેરસમજ થવાના

કે મૈત્રી જોખમાવાના ભય વિના અમે જેમના

વિચારો કે કાર્યોનો વિરોધ કરી શકીએ છીએ

અને એ વિરોધ પાછળનો પ્રેમ જેઓ પારખી શકે છે.

જેઓ લાંબા સમયથી ટકી રહ્યા છે,

બધાં વાવાઝોડાંમાં સાથી બન્યા છે,

અને ભવિષ્યમાં પણ તેઓ સાથે જ હશે

એવો વિશ્ર્વાસ જેમના માટે રાખી શકાય છે,

જેઓ અમારા માટે ઘસાય છે

અને એ વિશે સભાન હોતા નથી,

આવા મિત્રો તેં અમને આવ્યા છે

તે માટે અમે તારા કૃતજ્ઞ છીએ.

પરમાત્મા,

અમને પણ એવા મૈત્રીભાવથી ભરી દે

કે અમારા મિત્રોની અપ્રગટ શક્યતાઓ પિછાણી શકીએ

અને તેને બહાર લાવવામાં સહાયભૂત બનીએ.

અમારી ઊણપો, નબળાઈઓ, ભૂલો દૂર કરવાના

અને સાત્ત્વિકતા, સત્યનિષ્ઠા, નિર્ભયતા વધારવાના પ્રયત્નોમાં

અમે એકમેકને સક્રિય સાથ આપીએ.

અમારી સારી દશામાં જેઓ અમારી સાથે હતા

તેમનો માર્ગ દુર્દશાની ખીણમાંથી પસાર થાય

ત્યારે અમે તેમને વિસરીએ નહીં.

ઈશ્ર્વરત્ત્વનો અંશ જેમાં ઝલકે છે તેવા આ

ઉત્તમોત્તમ માનવ સંબંધનું અમને વરદાન આપ, પ્રભુ!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment