Tuesday, 2 August 2016

[amdavadis4ever] જેનો ધરમ એનો અહં ન બ ન્યો હોય..નરસિંહ મહેતા, તમે ક્યાં છો ?-જય વસાવડા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અનાવૃત - જય વસાવડા

જોઇએ છે :એક નરસિંહ મહેતા!
 


જોઇએ છે એક અલગારી સંસારી, એક મસ્ત બનેલો સંત, એક ફિલસુફી વિનાનો સૂફી, એક ભોળિયો ઓલિયો ! એક એવો આસ્થાવાન, જેની શ્રદ્ધાએ ધંધાનું સ્વરૃપ ધારણ ન કર્યું હોય. જેનો ધરમ એનો અહં ન બન્યો હોય. જેને ધાર્મિકતાના દેખાડાના ઢોંગનો રોગ ન વળગ્યો હોય. જે સત્ય માટે જંગ કરી શકે. પણ અસત્યનો દંભ ન કરે.

જે ભગવા, લીલા, લાલ, સફેદ કોઈ એક રંગના ચશ્મા પહેરીને દુનિયા ન નિહાળતો હોય પણ માધવના મોરપીંછના બધા જ રંગો જેની આંખોમાં સમાયા હોય.
 

જે ગળા કાપીને પોતાની વાત મનાવવામાં નહીં, પણ ગળે વળગાડીને પોતાનો પ્રેમ વરસાવવામાં યકીન રાખતો હોય એવો ગિરનારી અવધૂત ફકીર જોઇએ છે !

આવો નરસિંહ મહેતો ખોવાયો છે. રાસ રમતા ખોવાયેલી નથડીની જેમ. દિવસે દિવસે નવા વર્ગવિગ્રહમાં વિકાસની વાટમાં સ્પીડ બ્રેકર ઉભા કરનારા ગુજરાતને તો આ ફિરસ્તા જેવા દામોદરકુંડના નિત્યપ્રવાસી જોગંદરની તાકીદે જરૃર છે. જે જખમ પર મલમ કરે.


ઉનામાં દલિતો પર થયેલા અમાનુષી અત્યાચારનો વાઇરલ થયેલો વિડીયો જે જુએ એને કમકમાટી ઉપજે જ. આરંભમાં સરકારે અને પોલીસે તાબડતોબ ન્યાય અને નિયમને ધ્યાનમાં રાખી કડક પગલાં લઇ દાખલો બેસાડયો હોત, તો રોષનો આમવિસ્ફોટ ન થયો હોત. આપણે ત્યાં તંત્રની નિષ્પક્ષતા અને નીતિ પર લોકોને ભરોસો નથી હોતો અને કામગીરી ઝડપી નથી હોતી, વળી ટોળું ગરીબીની હતાશા કે અન્યાયની પીડાઓથી ત્રાસેલું તૈયાર જ હોય છે.
એમાં જ રમખાણો વધુ વકરતા હોય છે.
 આ ઘટનામાં સીધી રીતે કોઈ પક્ષ કે સરકારની ભૂમિકા ય નહોતી. પ્રશ્ન જરૃર આ કાયદો વ્યવસ્થાનો વધુ હતો. ખુલ્લેઆમ ઢોરને દેવતા ગણવાના અને માણસને ઢોર ગણવાના એવી કાયદો હાથમાં લેવાની કુટેવ તરફ કાયમ આંખ આડા કાન થયા. એ પણ આડકતરી રીતે હવે ઉના ઉના રાજકીય રોટલા શેકતા આ ભડકા પાછળનું કપૂર છે.

પણ મીડિયા અને પોલિટિક્સ બે ય બાજુએ મૂકીને આધુનિકતા અને માનવતાની દ્રષ્ટિએ સત્યશોધન કરીએ તો આખી ઘટનાએ આપણા સમાજ અને સમજને લાગેલા ત્રણ ઇન્ફેકશન ફરી સપાટી પર લાવી દીધા છે.

એક તો, જેના વિષે મેં વારંવાર શબ્દો અને કર્તવ્યો બંને રીતે અવાજ ઉઠાવ્યો છે, એ વધતી જતી જાહેર લુખ્ખાગીરી.
કોઇને કોઈ નેતાના મળતિયા તરીકે ગામના ઉતાર જેવા ભારાડી મવાલીઓ જ ગોઠવાઈ જાય છે, અને કામના માણસો તરીકે એમને થાબડભાણા કરી સાચવવામાં આવે છે. એ સ્થાનિક લુખ્ખેશોને ધાર્મિક કે રાજકીય કોઈ વિચારધારામાં રસ હોતો નથી. માત્ર પોતાનો પ્રભાવ વિસ્તારવાની પ્રચારધારામાં જ એ ડૂબેલા રહે છે.

આપણો ભારતીય સમાજ વાતો ભલે શાંતિ અને સુમેળની કરે, વર્તનમાં ઘાતકી રીતે હિંસક છે. ઘરના કે બહારના બધા મામલા કાયદો હાથમાં લઇ દંડો ચલાવીને જ ઉકેલવા એવી સામંતી માનસ શહેરી ગેંગસ્ટરથી ગામડાના ચોરા સુધી છે. ગાંધીજી અહિંસાનો પાઠ અમસ્તો નહોતો ભણાવતા. આંતરવિગ્રહની અને કાયદો હાથમાં લઇ નાની નાની વાતે મારામારીની માનસિકતા પારખીને અગમચેતી વાપરેલી એમણે !

એક રીડરબિરાદરે સરસ શબ્દ આપ્યો ઇગોશ્વર. નાની મોટી માથાકૂટ આ ઈગો ટકરાવાથી થાય છે. મોટા ભાગના લોકો આપણે ત્યાં સરળ છે, પણ ડરપોક છે. એટલે એમની સંખ્યા વધુ હોય તો પણ એમના પર અમુક ક્રિમિનલ્સ ધોંસ જમાવે છે. ઉપર સુધી એમની પહોંચ હોય એટલે નીચે રહેલા પોલીસવાળાઓનો ય એમને ડર હોતો નથી !

બીજું, અંગ્રેજોના સમયથી લોકોને લડાવી મારવાના કારણ તરીકે જ ઉપયોગમાં લેવાતી ગાય.

ગૌમાતાની વાતો કરતા દેશમાં જ ગાયનું દૂધ જગતમાં સૌથી ઓછું પીવાય છે, અને દુનિયામાં ક્યાંય નજોવા મળે એવી બેહાલીમાં ગાય સડક પર રખડતી હોય છે અને અકસ્માતોનું કે રોગચાળાનું કારણ બનતી હોય છે. ગાયના નામે રાજકારણ કરનારા પોતાના બંગલા કે ફ્લેટમાં ગાય ભાગ્યે જ પાળે છે. ગાય આપણે ત્યાં સંવેદનાનો મુદ્દો છે, સક્રિયતાનો નહીં. આમ તો મરેલા ઢોરની ઘર પાસે વાસ પણ સહન ના થતી હોય ને ત્યારે એનું ચામડું ઉતારવાની ફરજ બજાવતા લોકોની ચામડી ચીરી નાખવી એ તો નરી નાલાયકી જ કહેવાય. ગાયના ઘી-દૂધ ખાઈને જ સિંચીત જો બુદ્ધિ વધારો,  તો કોઈ પણ મુદ્દે કેવળ બટકણી અને છટકણી લાગણી દુભવી ઉતાવળમાં ઉશ્કેરાઈ ન જવું - એ ડહાપણ આવવું જોઇએ. આવું પ્લુરાલિઝમ આપણા અભ્યાસક્રમનો હિસ્સો બનવો જોઇએ. ગાય પવિત્ર શાંતિનું પ્રતિક છે, આપણા મનની અંદર બેઠેલા આતંકીને ઘાસચારો આપવાનું નહિ.

ગાય આપણે ત્યાં દૂધ જ નહિ, મત પણ આપે છે.

આપણે તો કેવા માણસો ? કોઈ નાતજાત કે અસ્પૃશ્યતામાં ન માનતા પશુઓને ય આપણે ધર્મ સાથે જોડીને હુલ્લડખોરી અને દાદાગીરીના કારણરૃપ બનાવી દીધા. બધે નહિ, પણ અમુક સ્થળે તો ગોરક્ષાના નામે ધમકી અને ફંડફાળા કે જમીનસંપાદનના ગેરકાનૂની ગૃહઉદ્યોગ નીકળી પડયા. છતાં ચોમાસા પર ગૌમાતા પ્લાસ્ટિક ખાતી રઝળતી જ જોવા મળશે ! આમ તો ભેંસ શું ઘેંટા-બકરાં ય ન દેખાય !

 ત્રીજી અને મુખ્ય વાત : જ્ઞાાતિવાદ. આ ઝેરના મારણ વિના ક્યારેય આપણા દેશમાં લીલાલહેર આવવાની નથી,

  અમુક હિન્દુત્વવાદી મિત્રો ગોગલ્સ પહેરીને દિવસને રાત કહેતા હોય એમ કહે છે કે અપવાદરૃપ કિસ્સા સિવાય આજે જ્ઞાાતિવાદ નથી. આ કાં જૂઠ છે, કાં અજ્ઞાાન. ઠેર ઠેર હજુ ય જાતભાતના જ્ઞાાતિવાદી વાડાઓ આપણા સામાજિક જીવનનું રોજેરોજ વિભાજન કરે છે. ગોકુળિયા કહેવાતા આપણા ગામડામાં તો વિશેષ વર્ગભેદ છે. દલિત, ઓબીસી, સવર્ણ.. અરે મુસ્લિમોમાં ય એકબીજા માટે અને પોતપોતાના જ પેટા ચોકાઓ વચ્ચે ઘર્ષણ ચાલ્યા જ કરે છે.

મોબાઈલ-ટીવી યુગમાં એ ઘટવાને બદલે ઉલટું ઝડપથી ફેલાય છે. ડો. આંબેડકર સ્પષ્ટ કહી ગયેલા એ બે 'ઇ' એજ્યુકેશન અને ઇકોનોમિક્સથી થોડી ઘણી સમાનતા આવી છે. પણ હજુ માનસિક રીતે 'ઇગો' ને 'લેટ ગો' કહેવાયું નથી. બધા જ ચૂંટણી સમીકરણો પણ અંતે તો જ્ઞાાતિ પર જ અટકે છે. પ્રેમમાં જાનને બદલે જાતજોવાય છે, અરે, પોલીસ, પ્રોફેશન, પ્રશાસન, પ્રવૃત્તિમાં ય જ્ઞાાતિવાદ એકપરિબળ અને અમુક તત્ત્વોનું બળ બને છે!

મનભેદ દૂર કરવા સમાજના તરછોડાયેલા વર્ગના ઘેર કમ સે કમ એમને પ્રેમનો અહેસાસ કરાવવા બટકું ખાવાનો કે પવાલું પીવાનો વહેવાર રાખવો જોઇએ. પણ અમુક વિસ્તારોમાં તો આજે ય અછૂત સાથેનો વ્યવહાર બેહતર નહિ. પણ બદતર છે. ધાર્મિકતાએ ઉભી કરેલી દીવાલો આઝાદીનાં સાત દસકે પણ તૂટી નથી. ઉલટું વર્ગવિગ્રહનો સાત કોઠાનો ચક્રવ્યૂહ બની ગઈ છે.

 વર્ષોના અનુભવે લાચારી અને આક્રોશના સોફ્ટવેર માહોલમાંથી નવી પેઢીમાં રિ-ઇન્સ્ટોલ થાય છે. આ ઘટનામાં વિસ્ફોટ સપાટી પર આવ્યો પણ તિરાડો તો જૂની છે.

આપણી મહાન સંસ્કૃતિના વારસદારો જ્યાં સુધી માણસને નકલી લેબલ વિના, અને અસલી લેવલ પરથી માણસ નહિ ગણે અને સારા-નરસા કર્મો સિવાય ધર્મોના આધારે ઉભી કરેલી સરહદ નહિ ખતમ કરે, ત્યાં સુધી આવી કમનસીબ ઘટનાઓનો ભડકો હદ બહાર દઝાડતો જ રહેવાનો.

નવી પેઢીને બને એટલી વળગણમુક્ત કરવી અને એકબીજા પર શંકાને બદલે વિશ્વાસ રાખતા કરવી, એ જ કાયમી ઉકેલ છે.

લાંબા સમયથી ગુજરાતને દાઢમાં રાખીને ટાંપીને બેઠેલાઓ પોકીમોન પકડવાનું હોય એમ ગુજરાત આવી આવીને વોટબેંક માટે સળી કરતા રહે,
તો એમને પણ પ્રશ્નોના મૂળ સુધી જઇ ગામેગામ ફરી, નક્કર કામગીરી કરીને વાસ્તવ બદલાવવું નથી. માત્ર દોષારોપણથી પોલીટીકલ માઇલેજ મેળવવું હોય છે. અશાંત અને આમ પણ મોંઘવારી અને ભ્રષ્ટાચારથી તણાવગ્રસ્ત પ્રજાને કોઇક ખીંટી તો જોઇએ જ હોય હાય હાય ટીંગાડવા માટે.

વાત દલિત જ નહિ, કોઈ પણ નિર્દોષ પર કોઈ કાયદો હાથમાં લઇને લુખ્ખાગીરી ન કરે એની છે. પછી એ નિર્દોષનું નામ ઉનાના વશરામભાઈ સરવૈયા હોય, અમરેલીના દિવંગત કોન્સ્ટેબલ પંકજભાઈ અમરેલીયા હોય કે ગોંડલમાં પાઉંભાજી ખાવા બેઠેલા અને બૂટલેગરોની ધમાલમાં જીવ ગુમાવી ચુકેલા સંજય પટેલ હોય. અટક વિના જુઓ તો એક નિર્દોષ નાગરિક પરેશાન થાય છે. આડેધડ કોઈ નક્કર માગણી ન હોવા છતાં લાગણીવશ ચક્કાજામ કે તોડફોડમાં ય નિર્દોષો જ હેરાન થાય છે. આવેશમાં આવીને આત્મવિલોપન કરવાનો ઉભરો પણ ખતરનાક છે. કાશ્મીરમાં પથ્થર ખાતા જવાનોની કે અન્ય રાજ્યોમાં પ્રેમલગ્ન જાતિના આધારે ન થતા વખ ઘોળતા જુવાનોની કદી રૃબરૃ મળવા જઇ ખબર નાં પૂછનારા બધા ગુજરાતભણી દોડ મૂકવાની રેસમાં છે ! અને લોકો ય બધાં જ પોતપોતાની જ્ઞાાતિના હિતને વળગી બેઠા છે.

 


દેશહિતનું શું ?

માનવસ્વભાવમાં બદલાવનું શું ?

નરસિંહ મહેતા,

તમે ક્યાં છો ?


ઝિંગ થિંગ

રાજમંદિરમાં પ્રવેશવા
બેસે શોષિતો-પીડિતોને કાંધે
રાજકીય વેતાળો.


(વિનોદચંદ્ર બોરીયા)

__._,_.___

Posted by: =?UTF-8?B?4oiC0L3OsdGP0LzRlM63?= <ag.dharmen@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Save time and get your email on the go with the Yahoo Mail app
Get the beautifully designed, lighting fast, and easy-to-use Yahoo Mail today. Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment