Thursday, 12 May 2016

[amdavadis4ever] ક્યારેય નહિ ભુલાય પાકિસ્તાને કરેલું ભટિંડાના શહીદ જમાદાર નંદસિંહનું ઘોર અપમાન - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ક્યારેય નહિ ભુલાય પાકિસ્તાને કરેલું ભટિંડાના શહીદ જમાદાર નંદસિંહનું ઘોર અપમાન
 
 
યુદ્ધ કેસરી - પ્રફુલ શાહ
 
પંજાબના ભટિંડામાં જન્મેલા નંદસિંહે બ્રિટન લશ્કર સાથે ખભા મિલાવીને લડતી વખતે ભારતીય લશ્કરના ભાગરૂપે બીજા વિશ્ર્વ-યુદ્ધ દરમિયાન મ્યાનમાર (બર્મા)માં જાપાની લશ્કરના દાંત ખાટા કરી નાખ્યા હતા. ઈન્ડિયન હિલ્સ ટેકરી જાપાનીઓ પાસેથી પાછી મેળવવાની ભગીરથ કામગીરી લોહીલુહાણ થઈને પણ પાર પાડી હતી. માત્ર ૨૯ વર્ષની ઉંમરે ૧૯૪૪ની ૧૧મી અને ૧૨મી માર્ચે બતાવેલા અપ્રતિમ શૌર્ય બદલ બ્રિટન સરકાર તરફથી લશ્કરી જવાનોને વીરતા માટે અપાતો સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત એવૉર્ડ વિક્ટોરિયા ક્રોસ નંદસિંહને એનાયત થયો હતો.
આઝાદીનો સંગ્રામ પરાકાષ્ઠા ભણી આગળ વધી રહ્યો હતો, ત્યારે મનમાં દેશદાઝ-દેશપ્રેમ ઠાંસોઠાંસ ભરેલાં હોય અને જે દેશની ચુંગાલમાંથી છૂટવું હોય તે દેશ માટે અને તે દેશ સાથે લડતી વખતે માનસિક સ્થિતિ કેવી કફોડી થઈ જાય? છતાં એક સૈનિક તરીકેની ફરજને સર્વસ્વ માનીને નંદસિંહે ગજબનાક પરાક્રમ બતાવીને જાપાનીઓને ખો ભુલાવી દીધી. પૂરેપૂરી તટસ્થતા અને ઈમાનદારીથી સૈનિક-ધર્મ સફળતાપૂર્વક નિભાવનારા નંદસિંહ માટે જીવનનો એક નવો તબક્કો હાથવેંતમાં હતો.
૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો. એ સાથે જ બ્રિટિશ લશ્કરમાંના ભારતીય જવાનો પોતાના સ્વતંત્ર દેશની ફોજમાં જોડાઈ ગયા. આ રીતે આપણા નંદસિંહ માભોમના લશ્કરમાં બની ગયા જમાદાર અને કોઈએ ધાર્યા કરતાં વહેલી તક મળી ગઈ પોતાના સ્વતંત્ર દેશ માટે લડવાની.
૧૯૪૭માં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ ગયું. ઑક્ટોબર મહિનામાં પાકિસ્તાની ભાંગફોડિયાઓએ અને સૈનિકોએ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરીને આંચકો આપી દીધો હતો. એ સમયે જમ્મુ-કાશ્મીરના આ યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં પહોંચવાનો સૌપ્રથમ આદેશ જે ટુકડીને અપાયો હતો, એ ટુકડી હતી જમાદાર નંદસિંહની શીખ રેજિમેન્ટ. આ જમ્મુ-કાશ્મીર ઓપરેશનમાં મુખ્ય કામગીરી તેમણે બજાવવાની હતી. પાકિસ્તાની ભાંગફોડિયાઓને જમ્મુ અને કાશ્મીરમાં હુમલો કરતાં રોકવા એ આ ટુકડીનું મુખ્ય મિશન હતું. એ સમયે ધર્માંધતાથી ઉશ્કેરાયેલા પાકિસ્તાની ઘૂસણખોરો કોઈ પણ હદે ઊતરી જવા તત્પર હતા. આ મુશ્કેલીભર્યા સમયમાં કાશ્મીરના ઊરીના પર્વતોમાં જમાદાર નંદસિંહની ટુકડી બરાબરની જાળમાં ફસાઈ ચૂકી હતી. ઊરીમાં ભાંગફોડિયાઓએ ઓચિંતા મારેલા છાપામાંથી પોતાની ટુકડીને બચાવવા માટે જમાદાર નંદસિંહ જીવસટોસટની લડાઈ લડતા રહ્યા. આ દરમિયાન અચાનક મશીનગન ધણધણી ઊઠી અને નંદસિંહ ગંભીરપણે ઘાયલ થઈને ઢળી પડ્યા. ઈજાગ્રસ્ત હાલતમાં જ તેઓ શહાદતને વર્યા.
યુદ્ધના આંતરરાષ્ટ્રીય નિયમો અને આદર્શો તથા માનવતાનાં ધોરણે મૃતકને સંપૂર્ણ માન-સન્માન મળવું જોઈએ, પરંતુ આ પાકિસ્તાનીઓને નિયમ, આદર્શ કે માનવતાની લવલેશ તમા નહોતી. શહીદ જમાદાર નંદસિંહના ગળામાં રિબિનમાં લટકતા વિક્ટોરિયા ક્રોસને જોઈને એમની અંદરનો શૈતાન વધુ ઉશ્કેરાયો. એક પરાક્રમીને મારી નાખ્યાનો પાશવી આનંદ મનાવવા માટે તેઓ નંદસિંહના મૃતદેહને પોતાની સાથે લઈ ગયા.
એક સૈનિકની લાશ સાથે પાકિસ્તાનીઓએ ન કરવાનું કર્યું. જમાદાર નંદસિંહની લાશને ઊંધે માથે લટકાવીને જીપમાં આખા મુઝફરાબાદમાં ફેરવી હતી. આ સાથે તેઓ નફ્ફટપણે માઈકમાં બૂમાબૂમ કરતા હતા કે વિક્ટોરિયા ક્રોસ મેળવનારા એક એક ભારતીયના આવા જ હાલહવાલ કરાશે. આટલા જંગલીપણા બાદ પણ આ શહીદના નસીબમાં આખરી વિરામ નહોતો. હલકટ બદમાશોએ એક વતનપરસ્ત સૈનિકની અંતિમક્રિયા કરવાને બદલે એના મૃતદેહને કચરાના ઢગલામાં ફંગોળી દીધો હતો. કમનસીબે આ પરાક્રમી શહીદનો મૃતદેહ ન ભારત પાછો મેળવી શક્યું કે ન પાકિસ્તાને એની સામાન્ય અંતિમવિધિ કરી.
યુદ્ધ, માનવતા અને નૈતિકતાના બધેબધા સિદ્ધાંતોને ઘોળીને પી જનારા પાકિસ્તાની લશ્કર સામે ન સ્થાનિક વહીવટીતંત્રે કોઈ પગલાં ભર્યાં કે ન પાકિસ્તાન સરકારે હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો. એકમાત્ર આશ્ર્વાસન એ હતું કે ભારત સરકારે શહીદ જમાદાર નંદસિંહને બહાદુરી માટેનો બીજા ક્રમનો મરણોત્તર એવૉર્ડ મહાવીર ચક્ર જાહેર કર્યો હતો.
પંજાબના બારેટા ગામમાંના બસ સ્ટેન્ડને શહીદ જમાદાર નંદસિંહનું નામ અપાયું છે. ભટિંડામાં એમનું સ્મારક બનાવાયું છે, જે ફૌજી ચૌકના નામે ઓળખાય છે. શહીદ જમાદાર નંદસિંહ જેવા નીડર, પરાક્રમી અને વતનપ્રેમીને ક્યારેય નહીં વીસરી શકાય અને એમની સાથે પાશવીપણું આચરનારાઓને ભૂલી શકાય? ના, ક્યારેય નહિ.
 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Upgrade your account with the latest Yahoo Mail app
Get organized with the fast and easy-to-use Yahoo Mail app. Upgrade today!

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment