Wednesday, 6 January 2016

[amdavadis4ever] આપણા સંકલ્પો કેમ ટકતા નથી?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એ વાત સત્ય છે કે સંકલ્પ કરવા માટે કંઈ નવા વર્ષની રાહ જોવાની જરૂર હોતી નથી. સારા સંકલ્પો કરવા માટે ૩૬૫ દિવસમાંની કોઈ પણ તારીખ કે તિથિ અને સમય, ચોઘડિયું સારા જ હોય છે, પરંતુ સતત છટકબારીઓ શોધતા મનને બૂરી આદતોમાંથી છુટકારો મેળવવા કે નવી સારી આદતો પાડવા માટે આપણે નવા વર્ષના ખીલે બાંધવાની કોશિશ કરતા હોઈએ છીએ. એ વર્ષ પછી વિક્રમ સંવતનું હોય કે ઇસુનું હોય, આપણો બર્થ ડે હોય કે પછી તીર્થસ્થાનની મુલાકાત હોય આપણા માટે એ એક કારણ બની રહેતું હોય છે મનને યોગ્ય દિશામાં વાળવાનું.

કોઈ સંકલ્પ ન કરવાનો મેં સંકલ્પ કર્યો છે એવા ચબરાકિયાં વાક્યો આપણને ચાર માણસો સામે સ્માર્ટ પુરવાર કરી શકે પણ હકીકતમાં તો આપણે આવું બધું બોલીને અને અમલમાં મૂકીને પોતાની જાત માટે જરૂરી એવા પરિવર્તનના દ્વાર જાતે જ ભીડી દેતા હોઈએ છીએ. જો કે સર્વસામાન્ય માણસો આવાં ચબરાકિયાં વાક્યોથી કદાચ એટલા સમય પૂરતા અંજાઈ જતા હોય એવું બને પણ તેઓ પોતપોતાની ક્ષમતા અને સજાગતા અનુસાર પરિવર્તન લાવવાનો પ્રયાસ કરતા જ હોય છે, કારણ કે આપણે બધા એ વાત સારી રીતે જાણીએ છીએ કે સંકલ્પ વિના સિદ્ધિ નથી.

આપણે બધાએ જીવનમાં ક્યારેક તો સંકલ્પો કર્યા જ છે. એ જુદી વાત છે કે આપણા ઘણા બધા સંકલ્પો ખૂબ જ સારા આશયથી, સારી ભાવના અને સમજથી કર્યા હોવા છતાં ક્યારેક થોડાક કલાકો અથવા દિવસો કે મહિનાઓમાં છૂટી ગયા છે, તૂટી ગયા છે.

જેમ કે નિયમિત સિગારેટ, તમાકુ કે દારૂ પીનારાઓમાંનું ભાગ્યે જ એવું કોઈ હશે જેમણે જીવનમાં કમસે કમ એકાદ વાર પણ એને છોડવાનો સંકલ્પ ન કર્યો હોય. સવારે વહેલા ઊઠવાનો, કસરત કે યોગાસન કરવાનો, સ્વાદેન્દ્રિય પર કાબૂ રાખીને વજન ઘટાડવાનો, રોજ ચાલવા જવાનો, વિદ્યાર્થી અવસ્થામાં એકેડેમિક વર્ષની શરૂઆતમાં દરરોજ ભણવાનો એવા જાતભાતના સંકલ્પો આપણે કરતા રહ્યા છીએ, પરંતુ અનેક વખત આપણે એ સંકલ્પોને તૂટી જતા જોયા છે. સંકલ્પ તૂટવાનું સૌથી મોટું નુકસાન એ થતું હોય છે કે આપણો આત્મવિશ્ર્વાસ ડગમગી જતો હોય છે. બીજા કોઈ કંઈ કહે કે ન કહે સંકલ્પ લીધા પછી જો એ પૂરો ન કરી શકીએ તો આપણે પોતે જ મનોમન બહુ અપરાધભાવ અનુભવતા હોઈએ છીએ.

આપણા સંકલ્પો ન ટકી શકવાનું સૌથી મોટું કારણ આ અપરાધભાવ પણ છે. આપણે જે સંકલ્પો લઈએ છીએ એ ટકાવવા હોય તો સૌ પ્રથમ તો આપણે આ અપરાધભાવ છોડવાનો સંકલ્પ લેવો પડશે. માની લો કે કોઈએ નક્કી કર્યું કે હું દરરોજ સવારે વહેલો ઊઠીને ચાલવા જઈશ. બે-ચાર દિવસ કે અઠવાડિયા સુધી નિયમિત એ સંકલ્પને વળગી રહ્યા પછી શક્ય છે કે કોઈ કારણસર અથવા તો કારણ વિના પણ એક દિવસ ચાલવા ન જઈ શકાયું તો મન તરત જ એક છટકું ગોઠવે છે અને આપણે એ છટકામાં આબાદ ફસાઈ જઈએ છીએ. એ એક દિવસ ન જઈ શકવાને કારણે બીજે દિવસે મન કહે છે કે કાલે નહોતો ગયો હવે એક દિવસ વધુ એમાં શું ફરક પડી જવાનો છે. અથવા તો આપણાથી આ થઈ જ નથી શકતું તો જવા દેને યાર! કે પછી મન અપરાધભાવમાં સરી પડીને આપણી સંકલ્પશક્તિના પાયા જ હચમચાવી નાખે છે. સંકલ્પ ટકાવવાનો સારામાં સારો રસ્તો એ છે કે એકાદ દિવસ કે એકાદ અઠવાડિયું પણ સંકલ્પ તૂટી ગયો હોય તો કંઈ વાંધો નહીં. એના માટે વિક્રમ સંવતના કે ઇસુના નવા વર્ષની કે સોમવાર અથવા રવિવારની રાહ જોવાની જરૂર નથી. એવા વખતે તો ચાલવાનું શીખી રહેલા બાળકની જેમ પડી ગયા હોઈએ તો ઊભા થવાનું અને ફરી ચાલવાની કોશિશ કરવાની.

સંકલ્પ ટકાવી રાખવા માટે સંકલ્પ શા માટે ટકતા નથી એની સમજણ મેળવી લેવી બહુ જ જરૂરી હોય છે અને આ સમજણ આપણને કોઈ બહારની વ્યક્તિ નહીં પણ ખુદ આપણે જ આપી શકીએ છીએ. સાવ જ મૂઢ હોય એવી વ્યક્તિઓને બાદ કરતા મોટા ભાગની વ્યક્તિઓ જાહેરમાં સ્વીકારે કે ન સ્વીકારે પણ મનોમન તો જાણતી જ હોય છે કે તેણે પોતાનામાં કયા બદલાવ લાવવાની જરૂર છે. એ જુદી વાત છે કે આ વાતની ખબર હોવા છતાં તે ફેરફાર લાવવામાં સફળતા મળતી નથી. ડાયાબિટીસના દરદીને સારી રીતે ખબર હોય છે કે જે મીઠાઈ તે આરોગી રહ્યો છે તે તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. દારૂ અને તમાકુનું સેવન કરનારાઓ જાણતા જ હોય છે કે એ તેમની સેહત અને ખિસ્સામાં બાકોરાં પાડી દે છે. આ બધી ખબર હોવા છતાં આપણે આ આદતોને માત્ર સંકલ્પો વડે સુધારી શકતા નથી. ન કરવા જેવી બાબતો આપણે એટલા માટે કરતા હોઈએ છીએ કારણ કે એમાંથી ક્યાંક આપણને મજા અથવા સુખ મળતું હોય છે. એ સુખ અથવા મજા એ સમય પૂરતા જ મર્યાદિત હોય છે અને કાયમી નથી એટલું જ નહીં પણ લાંબા ગાળે નુકસાનકારક છે એને આપણે ઘૂંટવી પડે છે. 

શાસ્ત્રો અને મહાત્માઓ કહે છે કે જેમ બીજમાંથી વૃક્ષ થાય છે એમ આપણા ચિત્તમાં પડેલા સંસ્કારો જ આ બધી આદતો બનીને આપણા જીવનમાં ફેલાઈ જાય છે. જો બીજ સારાં હશે તો વૃક્ષ અને એનાં ફળ પણ સારાં જ હોવાના પણ શક્ય છે કે કેટલાંક બીજ આપણા કે બીજાઓના હાથે ખોટા રોપાઈ ગયા હોય તો એમાંથી સર્જાયેલા છોડ કે ઘટાદાર વૃક્ષો અને ઝેરી ફળો આપણા ભાગે આવે છે. બીજમાંથી ખૂબ ઊંડે સુધી મૂળિયાં નાખી ચૂકેલા વૃક્ષ કંઈ એક ઝાટકે મૂળિયાસોતાં ઊખડી જવાના નથી. સંકલ્પની કુહાડીથી એને ધૈર્યપૂર્વક નામશેષ કરવા પડશે. 

સંકલ્પો ટકાવવા માટેનું એક બહુ જ સચોટ સાધન છે, શ્રદ્ધા. એ શ્રદ્ધા ગુરુ પ્રત્યેની, ઇષ્ટ પ્રત્યેની કે પરમાત્મા માટેની હોઈ શકે. સંકલ્પને જો શ્રદ્ધાનું બળ મળે તો એને ટકી રહેવા માટે સરળતા અને સહજતા પ્રાપ્ત થાય છે. ભગવદ્ગીતામાં માનવમનની સરખામણી વાયુ સાથે થઈ છે. આવા આ અળવિતરા મન પર સવારી કરવી એ ખાંડાના ખેલથી કમ નથી પણ એ સંકલ્પ વડે જ સિદ્ધ થાય છે. નાસ્તિક મનુષ્યે પણ છેવટે કંઈ નહીં તો પોતાની જાત પર તો શ્રદ્ધા રાખવી જ પડતી હોય છે.

સંકલ્પ જો ટકાવી રાખવો હોય તો એની એક મહત્ત્વની ચાવી એ છે કે એક સાથે બહુ મોટો સંકલ્પ ન લઈ લેવો. માની લો કે તમે દરરોજ નવ વાગ્યે ઊઠતા હો અને નક્કી કરો કે બસ ૧લી જાન્યુઆરી ૨૦૧૬થી ચાર વાગ્યે ઊઠવા માંડીશ અને એક કલાક યોગાસન, એક કલાક પ્રાણાયામ, એક કલાક ચાલવા જઈશ અને એક કલાક ધ્યાનમાં બેસીશ તો આ સંકલ્પ ગમે તેટલા સદ્ભાવથી કે ગમે એટલો દઢતાથી કર્યો હોય આના ટકી રહેવાની સંભાવના બહુ ઓછી છે. નવ વાગ્યે ઊઠવાની આદત હોય તો સાત વાગ્યે અને પછી ધીમે-ધીમે સાત વાગ્યાથી છ વાગ્યે એમ કાળક્રમે ચાર વાગ્યાનું લક્ષ્ય પૂરું કરી શકાય. નાના-નાના પૂરા કરી શકાય એવા સંકલ્પોથી શરૂ કરીને મોટા લક્ષ્ય પૂરા કરવામાં પછડાટો ખાવાની સંભાવના પ્રમાણમાં ઘણી ઓછી થતી હોય છે. એક સંકલ્પ પછી એ ભલેને રાઈના દાણા જેવડો કેમ ન હોય પણ જો એ પૂરો થઈ શકે તો આપણને ભીતરથી જ આનંદનો અનુભવ થાય છે અને એ આત્મવિશ્ર્વાસ કે હું આ કરી શકું છું આપણને એ દિશામાં વધુ પગલાં લેવા તરફ દોરી જાય છે.

વ્યક્તિત્વના જે પાસામાં પરિવર્તન લાવવા ઇચ્છતા હોઈએ એનું અસ્તિત્વ શા માટે છે અને એને બદલવાની જરૂરત શા માટે છે એ અંગે પહેલાં તો એને કાગળ પર લખી લેવાથી આપણા મનમાં ઘણી સ્પષ્ટતા આવી જતી હોય છે. ત્યાર પછી એ બદલાવ લાવવા માટે શું-શું કરવું અને કઈ રીતે કરવું એનો એક ચાર્ટ અથવા આયોજન તૈયાર કરી લેવાથી સંકલ્પ પૂરો કરવામાં સહાય થાય છે. એવરેસ્ટ સર કરવો હોય તો પણ શરૂઆત તો નાના-નાના કદમથી જ કરવી પડતી હોય છે. 

આ બધું કરવા છતાં શક્ય છે કે જૂના જમાનામાં થાળીવાજું એટલે કે રેકોર્ડ પર પીન અટકી જતી અને એકની એક લીટી વાગ્યા કરતી એમ મન એ જ જૂનું ગાણું ફરી ગાવા માંડે તો પોતાના જ મન સામે મોરચો માંડવાને બદલે મનની પીનને હળવેકથી ઊંચકી અને પાછી આગળની લીટી પર ગોઠવી દેવાની. પ્રાથમિક શાળામાં ભણ્યા હતા એ કવિ દલપતરામની આ કવિતા સંકલ્પને ટકાવી રાખવા માટે ચોક્કસ ઉપયોગી થઈ પડે એવી છે. 

કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછડાય

વણ તૂટેલે તાંતણે, ઉપર ચડવા જાય

મે'નત તેણે શરૂ કરી, ઉપર ચડવા માટ,

પણ પાછો હેઠો પડ્યો, ફાવ્યો નહિ કો ઘાટ.

એ રીતે મંડી રહ્યો, ફરી ફરી બે-ત્રણ વાર

પણ તેમાં નહિ ફાવતા, ફરી થયો તૈયાર

હિંમત રાખી હોંશથી, ભીડ્યો છઠ્ઠી વાર,

ધીરજથી જાળે જઈ, પોં'ચ્યો તે નિર્ધાર

ફરી ફરીને ખંતથી, યત્ન કર્યો નહિ હોત

ચગદાઈ પગ તળે, મરી જાત વણમોત

એ રીતે જો માણસો, રાખી મનમાં ખંત

આળસ તજી, મે'નત કરે પામે લાભ અનંત.

તો આ વર્ષે આપણા જીવનને ઉન્નતિની દિશા તરફ લઈ જાય એવો સંકલ્પ તો કરીએ જ પણ સાથે-સાથે એ સંકલ્પને કોઈ પણ ભોગે ટકાવી રાખવાનો સંકલ્પ પણ એટલો જ અનિવાર્ય છે. બેસ્ટ ઓફ લક.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment