Tuesday, 5 January 2016

[amdavadis4ever] જીવનની શક્ તિનું સર્જન માં આરાધન ર ઘુવીર ચૌધરી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ભરયુવાન વયે ત્રીજી કે ચોથી જ નવલકથા 'અમૃતા' લખે એને લગભગ ૪૦ વર્ષ પછી દેશનું સર્વોચ્ચ સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ પારિતોષિક મળે એ સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓને સર્વથા યોગ્ય લાગે માત્ર આછી ફરિયાદ સાથે કે એમાં ખાસ્સો વિલંબ થઈ ગયો. 

૨૦૧૫નું જ્ઞાનપીઠ પારિતોષિક આપણા પ્રથિતયશ સર્જક-વિવેચક રઘુવીર ચૌધરીને મળતું હોવાની તાજેતરમાં થયેલી જાહેરાત સાચે જ એમને પોતાને માટે જેટલી પ્રસન્નકર હતી, એટલી જ એમનાં સર્જન-વિવેચનમાંથી પસાર થનારા અભ્યાસીઓ માટે હતી. 

'અમૃતા' નવલકથાની વાતથી જ શરૂઆત થઈ છે. તો આશ્ર્ચર્યભર્યા આનંદ સાથે યાદ આવે છે કે રઘુવીરભાઈએ એ આખી નવલકથાનું-શબ્દશ: પાંચેક વાર પુન:લેખન કર્યું હતું. પોતાના સર્જનને શક્ય એટલું, પોતાને પૂર્ણ લાગે ત્યાં સુધી લઈ જવાની કેટલી પ્રબળ પ્રતિબદ્ધતા! 'અમૃતા'ના લેખનપુન: લેખનના સમયગાળામાં ક્યારેક તો એવા તબક્કા પણ આવતા કે રઘુવીરભાઈ દિવસના ૨૪ કલાકમાંથી ૧૮ કલાક આ લેખનમાં મચ્યા રહેતા! નાયિકા અમૃતા તથા નાયકો ઉદયન અને અનિકેત થકી સ્ત્રી-પુરુષ સંબંધનાં ઊંડાણને ત્રિવિધ દૃષ્ટિકોણથી તાગી અ-પૂર્વ પરિણામ નિપજાવ્યંું છે. પછી તો એમાંના વિચારો, એની ભાષા, એની રચનારીતિ વગેરેનું એટલું વિવેચન થયું છે કે એ બધાનું સંપાદન કરવા બે-ત્રણ મહાગ્રંથ રચવા પડે. (એ વાત સાવ જુદી છે કે પોતાને સંશોધક અભ્યાસુ કહેવડાવતા વિદ્વાનોએ 'અમૃતા'નાં મૂળ હિન્દીના સમર્થ સર્જક અજ્ઞેયની ખૂબ વખણાયેલી અને ચર્ચાયેલી નવલકથા 'નદી કે દ્વીપ'માં શોધવાના પ્રયાસ કરેલા. એનાથી આગળ વધીને કેટલાક ઉત્સાહીઓએ તો 'નદી કે દ્વીપ'માં મૂળ વિશ્ર્વપ્રસિદ્ધ નવલકથાકાર ડી.એચ. લોરેન્સની નવલકથા 'રેઈનબો'માં હોવાનો દાવો પણ કરેલો.) આજે આપણે સગર્વ એટલું જ યાદ કરીએ છીએ કે શબ્દસ્ફોટમાં રસ ધરાવનારા કોઈ પણ ભાવકને 'અમૃતા' તૃપ્તિનું અમૃતપાન કરાવે છે. કેટલાય ભાવકોનો ઉમળકો એના પ્રકાશનનાં આરંભના વર્ષોમાં તો એવો પણ હતો કે તેઓ રસધરાવનારા સૌ કોઈને 'અમૃતા' આગ્રહ કરીને વંચાવતા-શક્ય હોય તો ખરીદાવડાવતા પણ એટલું જ નહીં, સમાંતર સિનેમાના આરંભ કાળનાં એ વર્ષોમાં આ દિવાસ્વપ્ન જોનારાં 'અમૃતા' પરથી કેવી સુંદર ગુજરાતી ફિલ્મ બને એની તથા એમાં પણ કોણ અમૃતા, ઉદયન અને અનિકેતની ભૂમિકા ભજવે એની કલ્પના કર્યા કરતા. 

રઘુવીરભાઈએ એ પછી પુષ્કળ લખ્યું, સમૃદ્ધ સર્જન કર્યું, અધ્યાપન કર્યું, શબ્દોપાસનાને જીવનનું કેન્દ્ર બનાવ્યું. અઢળક લેખન, અનહદ પ્રવૃત્તિનું ભાથું બાંધીને આ ખેડૂતપુત્ર સર્જક-વિવેચક-સંચાલક પોતાના વતન ઉત્તર ગુજરાતના બાપુપુરામાં ખેતી પણ કરવા લાગ્યા છે. સોમથી શુક્ર અમદાવાદમાં અને શનિ-રવિ ખેતરમાં હળ-ટ્રેક્ટર ચલાવવા અને વાવણી-રોપણી-કાપણીમાં હાથ કાળા કરીને હૈયું ધોળું કરતા રહ્યા છે. એ ગ્રામીણ વિસ્તારના પ્રશ્ર્નોમાં પણ તેઓ સક્રિય રસ લે છે. મૂળિયાં સાથેનું આવું અનુસંધાન જીવનમાં અને સર્જનમાં વિશેષ બળ પૂરું પાડે છે. એવું તેઓ કહે છે ત્યારે એમાંનો પ્રતીતિનો રણકો સાંભળનારને તરત સ્પર્શી જાય છે. 

જીવાતા જીવન પ્રત્યેની આવી તીવ્ર આસક્તિએ જ એમની પાસે અનેક નવલકથા, નવલિકા, નાટક, કવિતા લખાવ્યાં છે. 'ઉપરવાસ', 'સહવાસ', 'અંતરવાસ' નવલકથાત્રયી એ આસક્તિનું એક હૃદ્ય શિખર છે. એક પ્રદેશની ત્રણેક પેઢીની કથા ભારતના ગ્રામજીવનનું ગર્વિષ્ઠ પ્રતીક બની રહે છે. એને દિલ્હીની સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું. આધુનિક જાનપદી નવલકથામાં આ કથાત્રયી વિશિષ્ટ સ્થાન ધરાવે છે. 

પરમ સારસ્વત સુરેશ જોષીએ ગુજરાતી સર્જન-વિવેચનની આધુનિક કાયાપલટ કરી અને સંખ્યાબંધ સર્જકો એ નવા રાજમાર્ગ પર પોતાની કલમ દોડાવતા થયા એ પછી પણ રઘુવીરભાઈ (અને બીજા થોડા સર્જકો) પોતાને ઈષ્ટ લાગેલી જીવનશૈલીને પોતાને યોગ્ય લાગેલી સર્જનરીતિથી ઘડતા રહ્યા. સામર્થ્ય અને દૃઢ આંતરપ્રતીતિ વગર આધુનિકતાનાં પૂર સામે આટલી સશક્તતાથી ન ઊભા રહી શકાય. 

૮૦થી વધુ પુસ્તકો લખનારા રઘુવીરભાઈએ કઈ વિઘા નથી ખેડી? નવલકથા, નવલિકા, નાટક અને કવિતા ઉપરાંત વિવેચન, ચરિત્રલેખન, અનુવાદ, કટારલેખન દ્વારા રઘુવીરભાઈ શબ્દની શક્તિનો (અને મર્યાદાનો પણ) તાગ મેળવવા સતત મથતા રહ્યા છે. એમના સમગ્ર લેખનનું સત્ત્વ અને એનો વ્યાપ એવાં છે કે એકથી વધુ અભ્યાસીએ એના વિવિધ પાસાં પર અભ્યાસ કરી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી છે. 

એમની સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ અને વેધક અભિવ્યક્તિનાં અસંખ્ય ઉદાહરણો છે. 'સંહારાની ભવ્યતા' પુસ્તકમાંનાં રેખાચિત્રો એમની ગુણગ્રાહિતાની સાથે સાથે શાલીન નિર્ભિકતા પણ પ્રગટાવે છે. 'એકલવ્ય' જેવી કટાક્ષપ્રધાન નવલકથા ઘણો જુદો રાહ ખેડનારી છે. 

'તમસા'નાં અને અન્ય કાવ્યોએ પણ અલગ રણકો પ્રગટાવ્યો છે. 

'અશોકવન અને ઝૂલતા મિનારા', 'સિકંદરસાની' અને અન્ય નાટકોએ રઘુવીરભાઈની સર્વશક્તિનું એક અલગ રૂપ પ્રગટાવ્યું છે. 

વિવેચક રઘુવીરભાઈની સજ્જતા એવી કે ઘણા ગુજરાતી સર્જકો એમના પ્રશંસાના બે શબ્દ મેળવવા આતુર રહે અને વિવેચકો છાની ઈર્ષ્યા કરે. પૂર્વના અને પશ્ર્ચિમના સાહિત્ય વિચારોનો અભ્યાસ અને સમન્વય એમના વિવેચન લેખનની સમર્થ પીઠિકા છે. હિન્દી સાહિત્યના આજીવન અધ્યાપક રહેલા રઘુવીરભાઈએ તુલનાત્મક સાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે. 

ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિવિધ હોદ્દે સક્રિય રહી સાહિત્યિક સંસ્થાના સંચાલન માટે એમણે દાખલો બેસાડ્યો છે. ટીકાથી ડર્યા-પાછીપાની કર્યા વગર પોતાને યથાર્થ લાગે એવાં કાર્યો-પ્રકલ્પોમાં આગળ વધતા રહેવું એ એમની આ પ્રવૃત્તિનું ખાસ પાસું છે. 

રઘુવીરભાઈને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું એ સાથે ભારતીય સાહિત્ય અને જ્ઞાનપીઠ પારિતોષિકના ઈતિહાસમાં એક વિરલ 'ઘટના' પણ બની છે. 'માનવીની ભવાઈ' નવલકથાના અમર સર્જક પન્નાલાલ પટેલને ૧૯૮૫માં જ્ઞાનપીઠ મળેલું. રઘુવીરભાઈ પન્નાલાલના વેવાઈ છે. બેઉ વેવાઈને દેશનું સર્વોચ્ચ સાહિત્યિક પારિતોષિક મળે એ કેવો વિરલ યોગાનુયોગ છે!

ગમે એની મુક્ત કંઠે પ્રશંસા અને ન ગમે એની મર્મભેદી ટીકા, પૂરા સાહિત્યપરિઘની અંદર રહી કરતા રઘુવીરભાઈની માનવીમાં રહેલા શુભ તત્ત્વ પ્રત્યેનો દૃઢ વિશ્ર્વાસ એમને જૈફ વયે પણ લેખનમાં પ્રવૃત્તિ રાખે છે એ ગુજરાતી વાચકો માટે પ્રસન્નકર વાત છે. 

રઘુવીરભાઈ, તમારા હાથમાંથી પેન ન છૂટેે અને અમારા હાથમાંથી તમારું લખાણ ન છૂટે એ જ આજે પ્રાર્થના.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment