Tuesday, 29 December 2015

[amdavadis4ever] શૈતાનસિંહ, શૌર્ય અને શહાદતનો સો નેરી ઈતિહાસ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફાયર...

મેજર શૈતાનસિંહ ભાટિના આ આદેશે કુમાઉં રેજિમેન્ટના આહિર ચાર્લી કંપનીના જવાનોને એવું જોશ ચડાવ્યું કે તેઓ સામેથી ધસી આવતા ચીની સૈનિકોના ટોળાથી લેશમાત્ર વિચિલિત ન થયા. અમૂલ્ય, અકલપ્ય અને દુર્લભ ખજાનો ઓચિંતો હાથ લાગ્યો હોય એવો ઉત્સાહ તન-મનમાં વ્યાપી ગયો. રેજાંગલાની બરફાચ્છાદિત ભૂમિ ઈતિહાસના અનોખા યુદ્ધનું સાક્ષી બનવા તૈયાર થઈ ચૂકી હતી. 

પહેલો હુમલો નાકામ રહ્યો હોવાથી ચીનાઓએ હવે વ્યૂહ બદલ્યો હતો. હાર્યો જુગારી બમણું રમે એમ ચીને ભયંકર ગોળાબાજી શરૂ કરી. તોપગોળાનો પ્રકાશ માત્ર અંધારાને હંફાવતો નહોતો, પણ શસ્ત્ર-સરંજામ મોરચે ચીની લશ્કરની સ્પષ્ટ સર્વોપરિતાનો પુરાવો આપતો હતો, પરંતુ રંગ છે ભારતીય વીરોને. ન તસુભાર પીછેહઠ ન જરાય ઘાંઘાંપણું, ન રઘવાટ કે ન લેશમાત્ર હતાશા. રેજાંગલાનું એકેય બંકર સલામત નહોતું. હાથીના ઝૂંડ સામે મુઠ્ઠીભર કીડીનો જંગ પણ ન ભૂતો, ન ભવિષ્યતિ જેવો. 

લડાખના વ્યૂહાત્મક ચુશુલમાં આવેલા રેજાંગલામાં ભારતીય લશ્કરના ઈતિહાસનું ભવ્ય પ્રકરણ શહીદોના રક્તથી આલેખાવા જઈ રહ્યું હતું. આહિર ચાર્લી કંપનીનો, પોતાના નેતા શૈતાનસિંહ ભાટીની બહાદુરીભરી નેતાગીરીમાં એક જ નિર્ધાર હતો. મારો, મારો, મારો... અને પછી જ મરો.

લશ્કરની ભાષામાં 'લાસ્ટમેન-લાસ્ટ રાઉન્ડ'નો ખરાખરીનો જીવ સટોસટનો ખેલ હતો. નંબર સાત અને નંબર આઠ પ્લાટુને આક્રમણમાં ભારે નુકસાન સહન કર્યું અને નંબર સાત પ્લાટુનના બધાય જવાનો ખપી ગયા. બધા લડતા-લડતા મર્યા અને અમર થઈ ગયા. ચીનાઓ ખૂબ નજીક આવી જતા. અમુક જવાનોતો પોતાની ખાઈમાંથી કૂદી બહાર પડ્યા અને હાથોહાથની લડાઈમાં લાગી ગયા. નંબર આઠ પ્લાટુનના જવાનો અંતિમ શ્ર્વાસ સુધી નહીં, છેલ્લી કારતૂસ લગી લડતા રહ્યાં. 

તોપમારા અને ગોળીઓના વરસાદ વચ્ચે મેજર શૈતાનસિંહ એક પ્લાટુનથી બીજા પ્લાટુન વચ્ચે દોડાદોડી કરીને જવાનોને પાનો ચડાવતા હતા. તેઓ સૈનિકોને માર્ગદર્શન જ નહીં, પ્રોત્સાહન આપતા હતા... લડો, લડો... મારો... મારો... તેઓ પોતાના સાથીઓને બેફામ થઈને લડવાનું પોરસ ચડાવતા હતા. 

ભારતીય સૈનિકો પાંચની સામે એક, પણ ખરેખર એક-એક જવાન દસ-દસ દુશ્મનને ભરી પાવા થનગનતા હતા. શૈતાનસિંહ ખૂદ ઘવાયા હતા, લોહીલુહાણ હતા. ઘાયલસિંહ વધુ જોખમી હોવાની વાત અગાઉ ચીનાઓ જાણતા નહોતા, પણ પછી...

જોમ અને જોશ જગાવવાની તાલાવેલીમાં મેજર શૈતાનસિંહને ખબર નહોતી કે પોતાને ક્યાં-કેટલું વાગ્યું છે? છેવટે શારીરિક મર્યાદાએ છેહ દીધો અને તેઓ ઢળી પડ્યા. બે સાથી જવાન તેમને ઊંચકીને આગળ ચાલવા માંડ્યા. અર્ધ બેહોશાવસ્થામાં પણ શૈતાનસિંહના ધ્યાનમાં આવ્યું કે દુશ્મનો તેમના પર ધ્યાન કેન્દ્રિત કરીને ગોળીઓ છોડી રહ્યા છે. મેજરે આદેશ આપ્યો કે મને નીચે મૂકી દો અને તમે જાઓ, સલામતપણે નીકળી જાઓ. બંને જવાનોએ મેજરને એક ખડક પાછળ મૂક્યા, ત્યારે ઘામાંથી લોહી વહેતું હતું, ટાંચણી ભોંકાતી હોય એવી ઠંડી હવા વહેતી હતી... ને ત્યારે તેઓ ૩૭ વર્ષના હતા. 

શહીદ મેજર શૈતાનસિંહ અને એમની પ્લાટુનના શૌર્યને પ્રતાપે ચીનના એક હજારથી વધુ સૈનિકો ખપી ગયા, જ્યાં જ્યાં નજર પડે ત્યાં ચીની સૈનિકોની લાશ રઝળતી હતી. ઘણાંની ફાટેલી રહી ગયેલી આંખ જાણે પોતે આ લડાઈ જોયાનું માની શકતી નહોતી. માત્ર આ લડાઈને કારણે અને લડવાનું માંડી વાળીને યુદ્ધ તહકુબીની જાહેરાત કરી દીધી. 

આહિર ચાર્લી કંપનીમાં હતા માત્ર ૧૨૩ જવાન. ત્રણ બહાદુર ગંભીરપણે ઘવાયા બાદ માંડમાંડ બચી ગયા, પણ અમુક અહેવાલમાં આ આંક છનો અપાય છે. બાકીના માદરે વતન માટે કામ આવી ગયા, પરંતુ એ સમયે એમની પાસે કે આસપાસ ન કોઈ રડનારું હતું કે ન કોઈ હતું એમની વીરતાને બિરદાવનારું. આપણી આ જાનહાનિ સામે દુશ્મનોની એટલી ભારે ખુવારી થઈ કે ચીનાઓ તો ઠીક, ખુદ ભારતીય લશ્કર પણ માનવા તૈયાર નહોતું. 

યુદ્ધ પતી ગયું અને શિયાળો પતી ગયા બાદ લશ્કરને મેજર શૈતાનસિંહ ભાટી સહિતના શહીદોના બરફમાં થીજી ગયેલા શબ મળ્યા, પણ એક-એક શહીદ જાણે હજી લડવા માટે તત્પર લાગતા હતા. ખાઈમાં ભારતીય જવાનના થીજી ગયેલા શબ પડ્યા હતા. તેમના હાથમાં કારતૂસ વગરની રાઈફલ હતી. ખાલીખમ લાઈટ મશીનગન હતી, મશીનગનના તૂટેલા સ્ટેન્ડ હતા, અમુક શબના હાથમાં રાઈફલના ઠૂંઠા હતા કારણ કે રાઈફલ દુશ્મનના નિશાને ફૂંકી મારી હતી...

મેજર શૈતાનસિંહ ભાટીને વીરતા માટેનું લશ્કરનું સર્વોચ્ચ પારિતોષિક પરમવીર ચક્ર મળ્યું હતું. પરંતુ સમગ્ર યુદ્ધમાં ચીન સામે ભારતની ભૂંડી વલે થઈ હોવાથી કોઈ રેજાંગલાની વીરતા-ગાથા માનવા તૈયાર નહોતું. એમાંય શિયાળો પૂરો થયા બાદ શૈતાનસિંહ સહિતના શહિદોના શબ મળ્યા એ અગાઉ તો કોઈને આ વાતની જાણ સુધ્ધાં નહોતી થઈ. 

આ યુદ્ધમાં ભાગ લેનારા અને બચી ગયેલા માનદ્ કેપ્ટન રામચંદ્ર યાદવ અને હવાલદાર નિહાલ સિંહે આ ઐતિહાસિક જંગના પ૦ વર્ષ પૂરા થવા નિમિત્તે એક ટીવી ઈન્ટરવ્યૂમાં ખૂબ રસપ્રદ માહિતી પીરસી હતી. 

નિહાલસિંહ લાઈટ મશીનગનથી લડતા હતા, પણ તેમને ગોળી વાગી એટલે લડવાનું બંધ કર્યું, પરંતુ મશીનગન છૂટી પાડીને ફેંકી દીધી કે જેથી દુશ્મનોના હાથ ન લાગે. ભયંકર પીડાથી નિહાલસિંહ કણસતા હતા, ત્યાં દુશ્મને બંકરમાંથી બહાર ખેંચી કાઢ્યા. એમનું નામ ઇંગ્લિશમાં પૂછ્યું. શરીરમાં ગોળી ને સામે મોત પણ મોઢું ન ખોલ્યું. કમાન્ડિંગ ઓફિસર અને બ્રિગેડકમાન્ડરના નામ પૂછ્યા મૌન સાંજે પાંચ વાગે તેમને ચીનાઓ પોતાના થાણામાં લઈ ગયા, તો ત્યાં શસ્ત્રોનો જથ્થો જોઈને દંગ થઈ ગયા. એમને એક જગ્યાએ રાખીને ચીની સૈનિકો વાતચીત કરતા હતા, અવરજવર કરતા હતા અને અંધારું વધી રહ્યું હતું. આનો લાભ લઈને ઘાયલ નિહાલસિંહ ધીરેથી સરકી ગયા. તેઓ પ૦૦ મીટર દૂર પહોંચ્યા હશે, ત્યારે ચીનાઓએ હવામાં ત્રણ ગોળીબાર કર્યા. બીજા દિવસે સવારે બપોરે એક વાગે તેઓ ભારતીય લશ્કરના હેડ ક્વાર્ટરમાં પહોંચ્યા. રરમીએ જમ્મુની હૉસ્પિટલમાં સારવાર માટે પહોંચાડાયા. 

પોતાને મૂકીને સલામતપણે જતા રહેવા માટે મેજર શૈતાનસિંહે જે બે જણને હુકમ કર્યા હતા, તેમાંના એક એટલે માનદ્ કેપ્ટન રામચંદ્ર યાદવ. એ સમયે તેઓ આહિર ચાર્લી કંપનીમાં સિપાહી તરીકે કાર્યરત અને રેજાંગલા ઘાટ પર મેજર શૈતાનસિંહ સાથે ખભેખભા મિલાવીને લડનારા. યાદવજીના કહેવા મુજબ માર્કેટમાં વિખરાઈને પડેલી બેરીની જેમ ચીની સૈનિકોની લાશ નજરે પડતી હતી. આપણા નાઈકસિંહ રામે બે દુશ્મનને પકડીને માથા એકમેક સાથે ભટકાડીને તેમના રામ રમાડી દીધા હતા. આ તાકાત-વીરતા જોઈને ચીનાઓનું આપણા માટેનું માન વધી ગયું. યુદ્ધબંધી બાદ પાછા જતી વખતે તેમણે એક શહિદના મસ્તક નજીક બાયોનેટ-સંદૂકને ઊંધી ખોડીને તેના પર હેલ્મેટ મૂકીને સન્માન વ્યક્ત કર્યું હતું.

રામચંદ્ર યાદવ કહે છે કે ઘણીવાર બાયોનેટ કામ કરતી નહોતી. ચીની સૈનિકોએ પહેરેલા જેકેટને બાયોનેટ વીંધી શકતી નહોતી. આથી ભૂતકાળમાં મુક્કાબાજી કરી ચુકેલા સિંહરામ બે દુશ્મનના માથા પકડીને એકમેક સાથે કે પહાડ સાથે અથડાવતા હતા. 

આ યુદ્ધની પરાક્રમ-ગાથા યાદવજીએ વર્ણવી ત્યારે કોઈ વાત માનવા જ તૈયાર નહીં. એ વખતે દિલ્હીમાં તો ભારે માતમનો માહોલ. એક બ્રિગેડિયરે તો યાદવને પાગલ ગણાવીને જુઠ્ઠાણું ચલાવવા બદલે તેમને કોર્ટ-માર્શલ કરાવવાની ચેતવણી આપતા સવાલ પૂછ્યો કે આપણે આટલા બધા ચીનાઓને કેવી રીતે મારી જ શકીએ! આ યુદ્ધમાંથી પાછા ફરેલા યાદવજીએ સગી આંખે જોયું હતું કે નર્સિંગ આસિસ્ટન્ટ ધરમપાલે ૩૨ ઘાયલોને પાટા બાંધ્યા ને એ દરમિયાન પોતાની ઈજાને લીધે ખપી ગયા... તેમણે કહ્યું કે એક-એક શહીદોને છાતીમાં જીવલેણ ગોળી લાગી છતાં હાથમાંથી મશીનગન છોડી નહોતી...એકેયને પીઠ પર ગોળી વાગી નહોતી... મશીનગનવાળા જવાનને છાતીમાં ગોળી લાગી પણ હાથમાંથી મશીનગન ન છોડી...

ગ્રેનેડ ફેંકવા જતા જવાનને ગોળી વાગી, પણ ગ્રેનેડ હાથમાંથી ન છૂટ્યો... એમના મોત બાદ પણ ચીનાઓ હાથમાંની પકડમાંથી ગ્રેનેડ છોડાવી ન શક્યા...

લશ્કરની ટૂકડીની મુલાકાત વખતે એક-એક શહીદના શબ થીજી ગયા હતા, પણ શસ્ત્રો હાથમાં જ હતા. આ જોઈને બ્રિગેડિયર રામ એટલા બધા ઈમોશનલ થઈ ગયા કે કૃત્રિમ આંખ પડી ગઈ, ને તેઓ ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડી પડ્યા. 

ભારતીય લશ્કર, ઈતિહાસ, દેશપ્રેમ અને વીરતાનું સોનેરી, ગૌરવપ્રદ અને દુર્લભ પ્રકરણ છે રેજાંગલાનો જંગ. મેજર શૈતાનસિંહ અને કુમાઉં રેજિમેન્ટની આહિર ચાર્લી કંપનીને કરીએ એટલા વંદન ઓછા.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment