Tuesday, 29 December 2015

[amdavadis4ever] આરામ આત્મસ ન્માનનું બી જું નામ છે , એ આળસ નથી

 


જે ખેતરમાં ઉપરાછાપરી એકનો એક પાક લેવામાં આવે તે ખેતર બહુ જલદી કસહીન થઈ જાય. જમીન જેવી જમીનને પણ વચ્ચે વચ્ચે આરામની (વાસૅલ અથવા વાહૅલની) જરૂર પડે છે. તો માણસને કેમ નહીં?

કેટલાક લોકોને વર્ષોથી દિવસરાત કામ કર્યા કરવાનું ગૌરવ હોય છે. છેલ્લાં અઢાર વર્ષથી મેં એક પણ રજા નથી લીધી એવું બોલવામાં તેઓ ગૌરવ અનુભવે છે. કામમાં નિયમિતતા તથા સાતત્ય જાળવવાં એને જરૂર સદ્ગુણ કહેવાય. પણ રોજિંદા કામમાંથી ફુરસદ મેળવીને આરામ કરવામાં શરમ ન હોઈ શકે. આ કોઈ દુર્ગુણ નથી.

કેટલાક લોકોને બેઉ છેડેથી પોતાની મીણબત્તી બાળવાની મઝા આવે છે. તેઓ માને છે કે આની કોઈ અવળી અસર નહીં થાય અને થશે તો પોતાના

જીવન પર એની ઝાઝી અસર નહીં પડે. પણ બેઉ છેડે સતત મીણબત્તી બળતી રહે એ પછી શરીર અને દિમાગ બેઉ એક તબક્કે થાકીને લોથ થઈ જાય. ચાબુક મારી મારીને એને ક્યાં સુધી હંફાવીશું. આરામની જરૂર કામ કરનારા સૌ કોઈને હોય છે.

આરામ નથી મળતો કે નથી લઈ શકાતો ત્યારે માણસ ચીડિયો થઈ જાય છે, આકરા પ્રત્યાઘાત આપવા માંડે છે. તાણને લીધે એના મોઢામાંથી એવી એવી વાતો સરી પડે છે જેનો પાછળથી અફસોસ થાય છે. થાકેલો માણસ ગૂંચવાઈ જાય છે. એને દરેક સમસ્યા વધુ મોટી લાગે છે અને વધુ અટપટી જણાય છે.

કામના બોજા હેઠળ દબાઈ ગયેલા લોકોમાં સ્ફુર્તિ નથી રહેતી, દરેક કામ બગડતું જાય છે, નિર્ણયશક્તિ ખોરવાતી જાય છે. તમને ખબર છે કે પૂરતા આરામ પછી આ કામ હાથમાં લીધું હોત તો અત્યારે કરી રહ્યા છો તેના કરતાં અનેકગણી સારી રીતે તે કરી શકાયું હોત. છતાં વેઠ ઉતારવાનું ચાલુ રહે છે. આ ઢસરડો એક દિવસ ભારે પડે છે. જેના માટે કામ કરવાનું છે એમને તો નુકસાન થાય છે જ, તમને વધારે નુકસાન થાય છે. આરામ આત્મસન્માન દાખવવાની રીત છે. જાતને તમે ચાહો છો એવું પુરવાર કરવા નિશ્ર્ચિત સમયાંતરે આરામ જરૂરી છે.

સાતત્યના આગ્રહીઓને ગુણવત્તા સાથે બહુ ઓછી નિસબત હોય છે. સારું કે ખરાબ, કામ થવું જોઈએ- આ એમનો ગુરુમંત્ર હોય છે. જે કામ હાથમાં લીધું હોય તે અવિરત ચાલ્યા કરે એમાં જ એમને સાર્થકતા જણાય છે. સર્જનાત્મક કામમાં આવું સાતત્ય જોખમી બની જાય. ફૅક્ટરીઓમાં એસેમ્બ્લી લાઈન પ્રોડક્શન જેવા સર્જનનું ઝાઝું મહત્ત્વ નથી હોતું. કળાનું કામ કરતી વખતે કોઈ કહે કે અત્યારે માથું ઊંચું કરીને જોવાનીય ફુરસદ નથી ત્યારે સમજી શકો છો કે એ કળાકાર પોતાના સર્જનમાં કેવો શક્કરવાર વાળશે.

થાકેલું મગજ વિચારી શકતું નથી. એની અસર કલ્પનાશક્તિ પર પડે છે. માણસ માહિતીનો ઢગલો એકઠો કર્યા કરે એના કરતાં એનામાં કલ્પનાશક્તિ હોય એ વધુ જરૂરી છે. ધોળે દહાડે તાજાં સપનાંઓ જોયા વિના શોધખોળો થતી નથી, નવા વિચારો પ્રગટતા નથી.

રોજના વાતાવરણથી છટકીને કોઈ ગમતી જગ્યાએ કે પછી ક્યારેક તદ્ન અપરિચિત જગ્યાએ ગયા પછી મગજનો ભાર ઓછો થઈ જાય છે. આરામના મહત્ત્વ પર વારંવાર મુકાયેલો ભાર જોઈને જો કોઈને આળસુ બની જવાનું મન થતું હોય તો જાણી લેવું કે આરામની તૈયારી કરવા માટેની પૂર્વશરત છે- ખૂબ બધું કામ.

નિરાંત એટલે સમયની મોકળાશ એવું મનાય છે. નિરાંત એટલે વાસ્તવમાં મનની મોકળાશ. હાથમાં ગમે એટલો ફાજલ સમય હોય છતાં નિરાંત ન અનુભવતા હો એવું બને. દિવસો અને અઠવાડિયાંઓ સુધી ચોવીસે કલાક કામમાં રહો, પ્રવાસમાં રહો, દોડધામ કરતા રહો અને એકસાથે પાંચ અલગ અલગ કામ હાથમાં લઈને દરેકની ડેડલાઈનને પહોંચી વળવાની કોશિશ કરતા હો છતાં મનમાં એવું વાતાવરણ જાળવી રાખી શકાય કે તમારી પાસે ફુરસદ જ ફુરસદ છે.

ગાલિબના મિસરા પરથી ગુલઝારે લખેલી ગઝલ જેવી રાતદિવસની ફુરસદ દિલ ઢૂંઢવા નીકળી પડે છતાં ફુરસદ ન મળે એવું બને. કામની જેમ આરામને પણ મુલતવી રાખવામાં જોખમ છે. શારીરિક વ્યસ્તતા દરમિયાન કદાચ શરીરને પૂરતો આરામ ન આપી શકાય, મનને જરૂર નિરાંત આપી શકાય.

એ માટે સૌથી પહેલાં તો ઉચાટને અને અધીરાઈને વિદાય આપવી પડે. કશુંક કામ બાકી હોય અને તે નહીં થાય તો શું થશે એવો ધ્રાસકો દિલમાં પડે તો એને તાર્કિક વિચારો દ્વારા પાછો વાળી દેવો પડે. કામની બાબતમાં તમને પોતાને ખાતરી હોય કે તમારામાં પૂરેપૂરી કાર્યનિષ્ઠા છે, સિન્સિયરિટી છે તો પછી કામ પૂરું થવાની બાબતમાં ઉચાટ રાખવાની જરૂર હોતી નથી.

એકાદ ટકો જ કામ જીવનમાં અને દુનિયામાં એવાં હશે જેને પૂરું કરવામાં બે મિનિટનોય વિલંબ કરો તો ઊથલપાથલ મચી જાય. બાકીનાં, મોટાભાગનાં કામ પૂરું કરવાની સમયમર્યાદામાં કોઈ નિશ્ર્ચિત ડેડલાઈન જેવી ચોક્કસ પાતળી સીમારેખા નથી હોતી કે તમે કહી શકો કે ઘડિયાળનો કાંટો આટલા વાગ્યા પરથી ખસ્યો કે તરત જ તમારું અત્યાર સુધીનું નહીં કરેલું કામ હવે તમે કરવા બેસશો તો પણ એનો કોઈ અર્થ નહીં સરે.

નવ્વાણું ટકા કામ માટે ડેડલાઈન નહીં, પણ એક ચોક્કસ સમયગાળો, ડેડઝોન હોય છે. એ ગાળાના આરંભની પહેલી સેક્ધડથી ચેતવણીનું સિગ્નલ વાગવા માંડે છે અને એ સમયગાળાની છેલ્લી સેક્ધડ સુધીના બીપ સિગ્નલ દરમિયાન, પ્રગટતી, તમારી સમગ્ર ચેતના એકત્રિત થયા પછીની સો ટચના સોના જેવી એકાગ્રતા, તમારું શ્રેષ્ઠ બહાર લાવીને તમારા કામને સુંદર ઓપ આપે છે, તમને સફળતા અપાવે છે, યશ અપાવે છે.

ડેડઝોન દરમિયાનના સર્જનાત્મક દબાણ હેઠળ કામ કરવાની મઝા જબરજસ્ત હોય છે. તમને ખબર હોય છે કે તમારે આ સમયપ્રદેશને કેટલા કલાક, દિવસ કે મહિનામાં પાર કરવાનો છે. કામ કરવા માટે કરવા પડનારા વિચારોનું સ્પીડોમીટર તમને એકસો એંશીની સ્પીડ બતાવે છતાં તમે આજુબાજુ દેખાતાં મનોહારી દૃશ્યો જેવું વાતાવરણ મનમાં સર્જીને નિરાંતમનના, ફુરસદ જ ફુરસદ જેની પાસે હોય એવા હળવાફુલ, બની શકો છો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment