Wednesday, 2 December 2015

[amdavadis4ever] જૈન દર્શન - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચિંતનથી નમ્રતા, સહજતા, સરળતા અવશ્ય પ્રાપ્ત થાય છે

જૈન દર્શન અંતર્ગત સંસાર પરિભ્રમણના મૂળભૂત કારણરૂપ ક્રોધ, માન, માયા અને લોભ, ચાર કષાય વિશે સરસ સંવાદ કર્યો. આ સંવાદે એક સત્ય પ્રસ્તુત કર્યું કે સંસાર પરિભ્રમણી મુક્ત થવું હોય તો, નિમ્નતમ કક્ષાનો કષાય નહીં જ થવો જોઈએ એવો આદર્શ ચરિતાર્થ થઈ શકે છે? કષાય મુક્ત જીવન શક્ય જ નહીં હોય તો મુક્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? આવા અનેક પ્રશ્નો થતા હોય છે. જૈન દર્શન ઉત્તર આપે છે કે, કષાય મુક્ત થઈ શકાતુ હોય તો જ અનંત આત્મા મુક્ત અવસ્થા પામી શક્યા છે. જે ઉત્તર, સમસ્યાનું સમાધાન છે. સરાસર માનવી એ કષાય મુક્ત જીવન પ્રાપ્ત કરવા અથવા કષાયથી પ્રભાવિત થવાની શક્યતા હોય ત્યારે કેવો અભિગમ અપનાવવો એ સમજવવા નમ્ર પ્રયાસ કરીએ.
જન્મથી પ્રારંભ કરી મૃત્યુ પર્યન્તની જીંદગીના અનેક અધ્યાયોમાંથી માનવી પસાર થતો હોય છે. રાત્રિ દિવસના ચોવીસ કલાકમાં પણ જીવનના વિવિધ ક્ષેત્રોને તે સ્પર્શતો હોય છે. વ્યક્તિગત, પારિવારિક, સામાજિક, આર્થિક વગેરે વગેરે. વ્યક્તિગત જીવનનાં પરિપ્રેક્ષ્યમાં કષાયની ભૂમિકા વિશે સૌ પ્રથમ વિચારણા કરીએ. વ્યક્તિ જ્યારે દર્પણ દ્વારા પોતાનો પરિચય કરે છે ત્યારે તે સુંદર, રૂપવન દ્રશ્યમાન થતો હશે તો અભિમાન કષાયથી પ્રભાવિત થશે, અને કુરૂપ દ્રશ્યમાન થશે તો ખેદ અનુભવશે. સુરૂપ દ્રશ્યમાન થશે તો રાગ કરશે અને કુરૂપ દ્રશ્યમાન થશે તો દ્વેષ કરશે. સરાસર માનવીનો આવો અભિગમ હશે. પરંતુ માનવીનું ચિંતન, સમજ જ્યારે સામાન્ય સ્તરથી ઉપર હશે ત્યારે તેની વિચારધારા ઉપરોક્ત વિચારધારાથી અલગ હશે. તેવી વ્યક્તિ એવું વિચારશે કે સમય સાથે અથવા તો અન્ય કારણસર શારીરિક પરિવર્તન થાય તે સ્વભાવિક છે અને આવા સમયે રાગ, દ્વેષ, અભિમાન, ક્રોધ આદિ કષાય કરવા એ સમજનું નિમ્ન સ્તર છે. આ સરાસર દ્રષ્ટાંત આપણને બોધ આપે છે કે સમજ વગરની વિચારધારા સહજપણે રાગ, દ્વેષ, અભિમાન, ક્રોધ આદિ કષાયને જન્મ આપે છે. જ્યારે ચિંતન, માનવીને નિમિત્ત જન્ય કષાયથી પ્રભાવિત કરશે નહીં. આ સમજનો વિસ્તાર કરતુ સરસ દ્રષ્ટાંત જૈન દર્શને પ્રસ્તુત કર્યું છે. પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ પ્રભુના જયેષ્ઠ પુત્ર શ્રી ભરત ચક્રવર્તી અત્યંત સુંદર હતા. એખ સમયે દર્પણ સન્મુખ પોતાના રૂપને નિરખતા હતા. અંગ પર મૂલ્યવાન અલંકાર ધારણ કર્યા હતા. અચાનક એક મુદ્રિકા સરી પડી. શ્રી ભરત ચક્રવર્તીએ, તે અંગુલી નિહાળી. મુદ્રિકા વગરની તે અંગુલી, મુદ્રિકા સહિતની અન્ય અંગુલીના પરિપ્રેક્ષ્યમાં નિસ્તેજ લાગી. શ્રી ભરત મહારાજાએ ચિંતન કર્યું. વિદિત થયું કે મુદ્રિકાના કારણે સૌંદર્ય હતુ. અન્યથા આ શરીર એટલુ સુંદર નથી લાગતું. તો શા કારણે પુદગલ, શરીરનાં અંગે ઉપાંગ માટે રાગ અને દ્વેષ, આસક્તિ અને ખેદ કરવા જોઈએ? જૈન દર્શને માનવના શરીરના પરમાણુને ઔદાયિક પુદગલ એવુ નામ આપ્યુ છે. આ પુદગલ સમય સાથે પરિવર્તન પામે એવા સ્વભાવવાળો છે. જૈન દર્શન પ્રસ્તુત કરે છે કે જીર્ણ શીર્ણ થતા આવા પુદગલના બનેલ શરીર માટે રાગ, અભિમાન શા માટે કરવા જોઈએ? જ્યારે આ સૌંદર્યના વળતા પાણી થાય છે ત્યારે ખેદ થાય છે. આમ પ્રારંભના રાગ અને અભિમાનનું પરિણામ દ્વેષ અને ખેદમાં પરિર્વિતત થાય છે. જૈન દર્શને પ્રસ્તુત કર્યું છે કે આવુ સાવ નાનુ દ્રશ્યમાન થતુ નિમીત્ત, ચિંતનની અનુપમ ભેટ આપે છે જે પોતાનું શ્રેય સાધી શકે છે. શ્રી ભરત ચક્રવર્તીની આ ચિંતન ધારાએ, વીતરાગ સ્વરૂપ એટલે કે રાગ અને દ્વેષ વગરના સ્વરૂપની ભેટ આપી, અને તેઓ પોતાનું શ્રેય સાધી ગયા. વ્યક્તિગત જીવનના પરિપ્રેક્ષ્યમાં બુદ્ધિ, જ્ઞાાન, વૈભવ, યશ આદિ ક્ષેત્રોમાં ઉદ્ભવ પામતા કષાયની તીવ્રતા અને અવધિ, આવા ચિંતનની ધારાથી શૂન્ય કરી શકાય છે, અથવા ક્ષીણ કરી શકાય છે. ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રતિપાદિત કરેલા વીતરાગ ભાવ કે સર્વજ્ઞાપણુ સહજ હોવા છતાં કદાચ સાવ નજીક નહીં હોઈ શકે. પરંતુ આવા ચિંતનથી નમ્રતા, સહજતા, સરળતા તો અવશ્ય પ્રાપ્ત થાય છે.
ક્યારેક પુત્ર, પુત્રી આદિ એવુ વિચિત્ર અને બેહુદુ વર્તન કરે છે જે તેઓના હિતથી વિરુદ્ધ હોય છે. આવા સમયે પિતાએ શું ક્ષમાભાવ જ ધારણ કરવો જોઈએ?પિતાએ એવો કોઈ પ્રતિભાવ આપવો જોઈએ જે સામાન્ય પણે કષાયથી મુક્ત હોય? સમજવા પ્રયત્ન કરીએ. નીતિશાસ્ત્રે શામ, દામ, દંડ અને ભેદનો અભિગમ,પરિણામ પ્રાપ્તિ માટે પ્રસ્તુત કર્યો છે. પોતાનુ હિત નહીં નિરખતા પુત્રને પિતા નિઃસ્વાર્થભાવે સમજાવે છે. પિતાના વ્યક્તિગત દાયિત્વનું આ પ્રથમ ચરણ છે. પુત્ર આ હિત પણ નહીં સમજી શકે તો તેને પ્રલોભન આપવામાં આવે છે જેને દામ નીતિ કહેવામાં આવે છે. આમ છતાં પુત્ર નહીં સમજે તો અનુક્રમે દંડ અને ભેદ એટલે કે શિક્ષા કરવામાં આવે છે અને ભય દર્શાવવામાં આવે છે. આ અભિગમની ભૂમિકામાં પિતાના પ્રેમ સાથે દાયિત્ત્વ છૂપાયેલા છે. શામ અને દામના પ્રથમ બે ચરણમાં આછો પાતળો પણ રાગ હોઈ શકે છે અને છેવટના બે ચરણમાં દ્વેષ હોઈ શકે છે. પિતા આવું નહીં કરશે તો પુત્રનું હિત કદાચને સાધી નહીં શકાશે. આવા સમયે પિતાએ આવો અભિગમ દર્શાવવો કે નહી જે આંશિક રૂપે પણ કષાય યુક્ત છે? આ પાયાનો પ્રશ્ન છે, અને તેનો ઉત્તર એ હોઈ શકે કે આવા અભિગમ સમયે રાગ અને દ્વેષ તીવ્ર પણે કરવામાં આવતા રાગ અને દ્વેષ જેવા નહીં હોવા જોઈએ. માત્ર ને માત્ર કલ્યાણ અને હિતની ભાવના ધરાવતા મંદ સ્વરૂપના હોવા જોઈએ. આ કષાય બાહ્ય સ્વરૂપે તીવ્ર લાગતા હોય પણ ભીતરથી સાવ મંદ હોવા જોઈએ જેથી અન્યનું કલ્યાણ કરવાના સમયે પોતાનું અહિત નહી થાય. પિતા તરીકે દાયિત્ત્વ નિભાવવાના સમયે આવો વિચાર સ્વ અને પર બંનેનું અહિત નહીં કરશે.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment