Sunday, 27 September 2015

[amdavadis4ever] ગુલઝાર જ ્યારે બિમ લદા સાથેન ાં સંસ્મર ણો વાગોળે છે..... .બિમલદા મ ાટે કહેવા તું કે તેઓ ફિલ્મો ને પરણી ગયા છે.... .....યે જો હૈ ઝિં દગી - ગીતા માણેક..

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઑગસ્ટ મહિનામાં અમારા અને કદાચ તમારા પણ પ્રિય સર્જક ગુલઝારસાબની બર્થડે ગઈ. અહીં ચીનની યાત્રાની વાત ચાલી રહી હતી એટલે એને અધવચ્ચેથી અટકાવીને ગુલઝારસા' બની વાત ન થઈ શકી પણ પછી લાગ્યું સર્જક તો દરરોજ તેના સર્જન દ્વારા નવું સર્જતો જ રહેતો હોય છે એટલે ગમે તે દિવસ એ તેનો બર્થ ડે ગણીને ઊજવી શકાય. બર્થ ડે તો એક બહાનું હોય છે આવા સર્જનની સમીપ જવાનું.

ગુલઝારસા'બની ઓળખ સામાન્ય રીતે એક ગીતકાર, પટકથા લેખક અને દિગ્દર્શક તરીકેની છે. 'ગુલઝારસા'બનાં ગીતોએ આપણી લગભગ દરેક સંવેદનાઓને વાચા આપી છે અને તેમના ગીત આજે પણ અનેક લોકોના હોઠે હોય છે, પરંતુ ગુલઝારસા'બની કલમ સાહિત્યના જે પણ પ્રકારને સ્પર્શી છે એ પારસ પુરવાર થઈ છે. આજે તેમની કલમે કરેલા એક જુદા જ ચમત્કારની વાત કરવી છે. ૨૦૧૪માં તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળ્યો ત્યારે અહીં તેમના હિન્દી ફિલ્મ જગતમાં એક ગીતકાર તરીકેના પ્રવેશની વાત કરી હતી. ગુલઝારસા'બનો હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ બિમલ રોયની 'બંદિની' ફિલ્મના મોરા ગોરા અંગ લઈ લે ગીતથી થયો હતો. સ્વાભાવિક રીતે જ બિમલદાનું ગુલઝારસા'બની જિંદગીમાં અનેરું સ્થાન હોય. એક અર્થમાં બિમલદા તેમના ગોડફાધર જ. આવા આ ગોડફાધર વિશે ગુલઝારસા'બ લખે ત્યારે કેવું લખે? 'પિછલે પન્ને' નામના તેમના સંસ્મરણોનું એક પુસ્તક. આ પુસ્તકમાં નોંધાયેલાં સંસ્મરણો લેખક દ્વારા લખાયાં હોવા છતાં જાણે તેમનો 'હું' તમને ભાગ્યે જ દેખાય તો પછી એ કઠવાની તો વાત જ ક્યાં રહી. આ સંસ્મરણોનાં પુસ્તકમાં એક નાનકડું પ્રકરણ બિમલદા વિશે પણ. બિમલદા પોતાનામાં જ એક મહાન શખ્સિયત અને એમાંય ગુલઝારસા'બ માટે તો તેમના ગોડફાધર. આ નાનકડા પ્રકરણમાં ગુલઝારસા'બે બિમલદાનું જે ચિત્ર ઊભું કર્યું છે એના વિશે લાંબીલચક વાત કરવાને બદલે એને અહીં શબ્દશ: ઉતારવાનું જ મુનાસિબ સમજું છું કારણ કે કોઈ પણ સુંદર ચિત્રનું વર્ણન કરવા કરતાં એને નજર સામે મૂકી દેવું વધુ ઉચિત ગણાય કારણ કે એને જોઈને (અહીં વાંચીને) જે આનંદ મળે એ તેના વિશે ગમે તેટલું કહીએ તોય ન મળી શકે. તો વાંચો ગુલઝારસા'બના બિમલદાને-

એને લોકો જોગ સ્નાન'નો દિવસ કહે છે. અલ્હાબાદમાં ત્રિવેણીના સંગમ પર જ્યાં ગંગા, યમુના અને સરસ્વતી મળે છે કહેવાય છે કે એ દિવસે, એ સંગમ પર કોઈ સ્નાન કરે તો તેના બધા રોગ દૂર થઈ જાય છે, બધાં પાપ ધોવાઈ જાય છે અને તે શખસની ઉંમર સો વર્ષની થઈ જાય છે.

મેં બિમલદાને પૂછ્યું, શું તમે આ વાત માનો છો?'

બિમલદા હસી પડ્યા, વિશ્ર્વાસની વાત છે, શાસ્ત્રોમાં કહેવાયું છે.'

એસ્ટ્રોનોમીના હિસાબે એ દિવસ દર બાર વર્ષ બાદ આવે છે, જ્યારે સૂરજની આસપાસ ફરતા નવેનવ ગ્રહ એક લાઇનમાં આવી જાય છે અને એ દિવસે સૂરજ ઉદય થાય છે તો તેનું પહેલું કિરણ આ સંગમ પર જ પડે છે. એ દિવસ માટે અહીં કુંભનો મેળો થાય છે. એની તૈયારી મહિનાઓ પહેલાંથી શરૂ થઈ જાય છે, કારણ કે અહીં આવનારાઓની ગણતરી કરોડોમાં પહોંચી જાય છે. અલ્હાબાદથી પ્રયાગ સુધી ખભે-ખભો ભટકાય છે, આસપાસના ગામોમાં પગ રાખવાને જગ્યા નથી મળતી. આને પૂર્ણ કુંભનો મેળો પણ કહે છે. મેળો તો બહુ દિવસ રહે છે, પરંતુ છેવટના નવ દિવસ ખાસ ગણાય છે.

૧૯૫૨ની વાત છે, આ મેળામાં એક સ્ટેમ્પેડની દુર્ઘટના થઈ હતી, જેમાં લગભગ એક લાખ લોકો મરી ગયા હતા. આજ સુધી એ દુર્ઘટનાનું સાચું કારણ ખબર નથી પડી શકી. ઘણી બધી ઇન્કવાયરી કમિટીઓએ ઘણી બધી તપાસ કરી. કેટલાક લોકોનું કહેવું છે કે નાગા સાધુઓના હાથી ગાંડા થયા હતા જેનાથી લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. એ ભાગદોડમાં હોમગાર્ડસ અને મિલિટરીના બનાવેલા પુલ તૂટી ગયા. લોકો ગભરાટમાં ભાગ્યા, દોડ્યા, પડી ગયા, કચડાઈ ગયા. હજારો હોડીઓ ગંગામાં ઊલટી થઈ ગઈ, કુંભ મેળાના ઈતિહાસમાં આનાથી મોટી દુર્ધટના ક્યારેય નથી બની.

સમરેશ બસુએ આ હાદસાની પાશ્ર્ચાદભૂ પર એક નવલકથા લખી હતી 'અમૃત કુંભ કી ખોજ મેં' અને બિમલ રોય જેમને અમે બિમલદા કહીને બોલાવતા હતા એ નવલકથા પર ફિલ્મ બનાવી રહ્યા હતા.

હું બિમલદા સાથે આસિસ્ટન્ટ હતો. ક્યારેક-ક્યારેક તેમની ફિલ્મમાં કોઈ ગીત લખી લેતો હતો અને પહેલી વાર તેમની સાથે ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યો હતો. બિમલદાને કદાચ એવા રાઇટરની જરૂરત હતી જે ગમે તે સમયે તેમની ફુરસદ પ્રમાણે તેમની સાથે બેસી શકે, ડિસ્કસ કરી શકે અને મુદ્દાઓ નોંધી શકે. બીજું કારણ એ હતું કે હું બંગાળી અને હિન્દી બંને ભાષા જાણતો હતો. નોવેલ બંગાળીમાં હતી અને સ્ક્રિપ્ટ હિન્દીમાં લખાઈ રહી હતી. તેમના ફુરસદના સમયમાં તેઓ ક્રમબદ્ધ એ નોવેલ પર કામ કરી રહ્યા હતા. નવલકથામાં હાંસિયામાં એટલી નોંધ લખેલી હતી કે તેમની એ કિતાબ જોઈને લાગતું હતું કે નોવેલના પાનાંઓ પરની એ ખાલી જગ્યાઓમાં એક નોવેલ લખેલી છે. ઠેકઠેકાણે ચબરખીઓ પર લખેલી નોટ્સ પણ કિતાબના પાનાંઓ પર પીન લગાડીને ચોંટાડવામાં આવી હતી. એક તો એ પહેલાંથી જ બહુ જખમી નોવેલ છે અને ઉપરથી આવા ઠઠાડેલા કાગળોને લીધે લાગતું હતું કે કિતાબનું પેટ બહાર આવી ગયું છે. નોવેલે વધુ એક નોવેલનું ગર્ભાધાન કર્યું છે. પુસ્તકનું બાઇન્ડિગ ઉખડી ગયું હતું. દરેક પાત્રની વિગતો કંઈક એવી રીતે હતી કે બિમલદાને લાગતું હતું કે કુંભ' તેમની નસોમાં દોડી રહ્યો છે. કોઈકે તેમની સિસ્ટમમાં એ ઠાલવી દીધો હોય.

આ નોવેલ તમે ક્યારે વાંચી?' મેં એકવાર પૂછ્યું હતું.

ઇસવિસન ૧૯૫૫માં, જ્યારે પહેલીવાર હપ્તાવાર છપાવાની શરૂ થઈ હતી.'

ક્યાં?'

કલકત્તાના અખબાર આન્દ બાઝાર. સમરેશ એ દિવસોમાં તેમને ત્યાં જ કામ કરતો હતો.'

તમે ઓળખતા હતા સમરેશને?'

હૂં' બિમલદા બહુ અટકી-અટકીને વાત કરતા હતા અને તેમની હૂં' તો કમાલની હતી. એક હૂં' હજાર મતલબ. આ વખતે મને સમજાયું કે તેઓ આગળ વધવા નથી માગતા. આદતવશ તેઓ બહુ ઓછું બોલતા, પરંતુ સિગારેટના બે-એક કશ લીધા બાદ ખુદ પોતે જ વાતને ચાલુ રાખી.

ઓરિજિનલી સમરેશે નોવેલ પોતાના નામે નહોતી છાપી. એક ઉપજાવેલું નામ હતું- કાલકૂટ'

હૂં- મેં થોડો સમય ઇંતજાર કર્યો. તેઓ ફરી બોલ્યા, દસ-પંદર હપ્તાઓ બાદ નોવેલમાં એક અંતરાલ આવી ગયો હતો. હું બેચેન થઈ ગયો. મેં આનંદ બઝાર પત્રિકાને પત્ર લખ્યો તો સમરેશનો જવાબ આવ્યો ત્યારે ખબર પડી કે' આ વખતે ખાંસતા-ખાંસતા ખુરસી પરથી ઊઠ્યા અને સિગારેટ ફેંકવા બાલ્કની સુધી ચાલ્યા ગયા. નોવેલમાં પ્લોટ નહોતો, પરંતુ તેના પાત્રો બહુ જીવંત હતા અને ખાસ તો તે લાઇટરની નજરથી એ કહાની કહેવામાં આવી હતી. તેમની ડાયરીનો હિસ્સો બિમલદા વારંવાર મને વંચાવતા. નોવેલની શરૂઆતમાં લોકોથી ખીચોખીચ ભરેલી એક ટ્રન પ્રયાગ' સ્ટેશનથી નીકળીને અલ્હાબાદની તરફ રવાના થાય છે. બસ થોડી મિનિટોનો પ્રવાસ બાકી છે. લોકો જોશમાં આવીને ભજન ગાવાનું શરૂ કરી દે છે. ટ્રેનની છત પર બેઠેલા લોકો જોરજોરથી જયજયકાર કરવા માંડે છે. ટ્રેન ધીમે-ધીમે અલ્હાબાદના પ્લેટફોર્મમાં દાખલ થાય છે અને મુસાફરોની ભીડ એવી રીતે બહાર નીકળવા માટે આગળ વધે જાણે કોઈ બ્લેકહોલમાંથી નીકળી રહી હોય. આ ભીડમાં ક્ષયનો એક રોગી બલરામ જે પોતાના રોગથી છૂટકો મેળવવા, સો વર્ષની આયુ માગવા જોગ સ્નાન માટે જઈ રહ્યો હતો તે લોકોના પગ તળે ચગદાઈને મરી ગયો.

બિમલદાને વાંધો હતો, આ મોત સમરેશે બહુ જલદી કરાવી દીધી.'

બહુ આદરપૂર્વક મેં મારું મંતવ્ય આપ્યું, દાદા, આ એકલી મોત ક્યાંક નોવેલના અંજામ તરફ ઇશારો કરે છે અને સંતુલિત પણ કરે છે.'

હૂં, પરંતુ ફિલ્મ માટે જરા જલદી છે. ખેર પછી જોઈશું તું આગળ વધ, તું આગળ વધ.'

આગળ વધતા-વધતા આ સસ્ક્રિપ્ટને ત્રણ વર્ષ લાગ્યા. આ ૧૯૬૨ની વાત હતી, એ દરમિયાન બિમલદાએ બે ફિલ્મ બનાવી. બન્દિની' અને કાબૂલીવાલા', પરંતુ અમૃત કુંભ પર કામ ચાલતું રહ્યું.

તો આપણે વાત કરી રહ્યા હતા કવિ-ગીતકાર-પટકથા લેખક-દિગ્દર્શક ગુલઝાર સાહેબે લખેલા બિમલદા સાથેનાં સંસ્મરણોની. બહુ જ થોડા શબ્દોમાં ગુલઝારસા'બે બિમલદાનું આખું વ્યક્તિત્વ અને તેમના બિમલદા સાથે સંબંધોને આપણી સામે મૂકી દીધા છે. બિમલદાની બંદિની'થી હિન્દી ફિલ્મોમાં ગીતકાર બનેલા ગુલઝારસા'બ બિમલદાના આસિસ્ટન્ટ બન્યા હતા અને તેમની સાથે અમૃત કુંભ ફિલ્મની પટકથા લખી રહ્યા હતા. સમરેશ બસુની નવલકથા અમૃત કુંભ કી ખોજ મેં પરથી ફિલ્મ બનવાની હતી. આ ફિલ્મની વાત હતી અલ્હાબાદમાં ત્રિવેણી સંગમ ખાતે કુંભના મેળામાં થતાં જોગ સ્નાનના દિવસની. કહેવાય છે કે જો કોઈ જોગ સ્નાન કરે તો તેના બધા રોગ દૂર થઈ જાય, પાપનો નાશ થાય અને તે વ્યક્તિની ઉંમર સો વર્ષની થઈ જાય. આ ફિલ્મ પર કામ શરૂ થયું હતું . ૧૯૬૨માં ફિલ્મ પર કામ કરવાનું શરૂ થયું અને ત્રણ વર્ષ કામ ચાલતું રહ્યું દરમિયાન બિમલદાએ બીજી બે ફિલ્મો બનાવી લીધી હતી પણ અમૃત કુંભ પર કામ ચાલતું રહ્યું હતું. હવે આગળ વાંચો ગુલઝારસા'બના જ શબ્દોમાં-

માઘ મેળાની તૈયારીઓ કરતા-કરતા બિમલદાની તબિયત કંઈક ડામાડોળ થવા માંડી. થોડા દિવસ તાવમાં પણ ઑફિસ આવતા રહ્યા. ઑફિસમાં બેઠા સિવાય તેમને ચેન નહોતું પડતું. બિમલદા માટે કહેવાતું કે તેઓ ફિલ્મ સાથે પરણી ગયા છે. તેમના તકિયામાં ફિલ્મની રીલ ભરી દો તો બહુ ચેનથી ઊંઘશે.

પછી થોડા દિવસ ઑફિસ ન આવ્યા તો અમને ફિકર થઈ. હું તેમના ઘરે પહોંચ્યો. મારી સાથે અમારા સિનિયર કેમેરામેન પણ હતા, કમલ બોસ. બિમલદા બહાર આંગણામાં બેઠા હતા. સામે ચા રાખી હતી અને ચેસ્ટરફીલ્ડ સિગારેટનું પેકેટ. હંમેશાંની જેમ સિગારેટ આંગળીઓ વચ્ચે સળગી રહી હતી.

અમે તબિયત પૂછી તો જવાબ દીધો, 'અલ્હાબાદ નહીં જઈ શકું. તમે લોકો જાઓ. મેળાના શોટ્સ લઈ આવો.' અને ત્યાર પછી એક કલાક સુધી અમને શોટ કહેતા રહ્યા, શોટ્સના એંગલ સમજાવતા રહ્યા. 'કુંભ'ની સ્ક્રિપ્ટ લગભગ આખી યાદ હતી તેમને. શોટ્સની બારીકીઓ સમજાવતા વચમાં સિગારેટના કશ લેતા હતા. ખાંસતા હતા અને ચાના ઘૂંટડા ભરતા હતા.

કમલદાએ એક વાર બંગાળીમાં કહ્યું પણ કે તમે સિગારેટ ન પીઓ અથવા ઓછી કરી નાખો, પરંતુ દરેક વખતે 'હૂં' કહીને સ્ક્રિપ્ટની વાત કરવા માંડતા.

અલ્હાબાદ જતા-જતા ઘટક બાબુ પાસેથી ખબર પડી કે બિમલદાને કૅન્સર થઈ ગયું છે.

બિમલદાને ખબર છે?

'ના'

ગળાની ખબર નહીં કઈ ટ્યૂબ કે પાઈપ કહી ઘટક બાબુએ. કમલદાએ કહ્યું, 'પણ તેમના માટે તો સિગારેટ બહુ હાનિકારક છે.'

હા, પણ બિમલ માનતો નથી. તેને શું સમજાવું? કહી દઉં કે તને કૅન્સર છે. તું કાલે મરી જઈશ. તે બહુ ડરપોક છે. સુધીશ ઘટક અમારા મૅનેજર હતા અને બિમલદાના ન્યૂ થિયેટર્સના જમાનાના દોસ્ત પણ.

અલ્હાબાદમાં શૂટિંગ કરતા એક અજીબ ઉદાસીનો અહેસાસ થયો. કામ બરાબર થઈ રહ્યું હતું પણ મન વગરનું. હંમેશાંની જેમ જોશ નહોતું. કમલદા ચૂપ હતા. હું પણ. કોઈ વાત હતી જે અમે બોલવા માગતા હતા પણ બોલતા નહોતા. દિમાગની પાછળ બિમલદાના કૅન્સરનો ખોફ છવાયેલો હતો અને મનના એક તલ પર એ વાત અંકિત થઈ રહી હતી કે આ શૂટિંગ બેકાર છે. આ ફિલ્મ નહીં બની શકે. બિમલદા હવે વધુ દિવસો નહીં રહી શકે, પરંતુ આ વાત મોંમાંથી નીકળવી મુશ્કેલ હતી.

કમલદાએ એક સાંજે શૂટિંગ પરથી પાછા આવીને પૂછ્યું, 'આ ફિલ્મ શા માટે બનાવી રહ્યા છે બિમલદા?'

મેં પૂછ્યું હતું એક વાર

તો? શું કહ્યું?

મેં એ સિટિંગની વાત કહી જ્યારે બિમલદાએ કહ્યું હતું, 'વો રાઇટર હૈના, જેની નજરથી આ કહાની કહેવામાં આવી છે, જે અમૃતની ખોજમાં ગયો છે, મને લાગે છે તે હું છું. તે જે રીતે અમૃતની તલાશમાં ગયો છે, જેનાથી માણસની ઉંમર સો વર્ષની થઈ જાય છે.' તેઓ સિગારેટના ધુમાડામાં ખાંસ્યા, ચહેરો લાલઘૂમ થઈ ગયો, પછી જ્યારે શ્ર્વાસ નીચે બેઠો તો બોલ્યા, 'મને પણ અમૃતની તલાશ છે.'

કંઈક સમજાયું અને કંઈક ન સમજાયું હોય એવા ભાવ સાથે મેં પૂછ્યું હતું, 'શું ખરેખર સો વર્ષની ઉંમર ઇચ્છો છો તમે?'

'હૂં'

એ કયું અમૃત છે? બહુ વાર બહુ દૂર સુધી જોયે રાખ્યું બિમલદાએ.

હવે વિચારું છું તો લાગે છે તેઓ કદાચ જાણતા હતા કે તેમને કૅન્સર છે.

બમ્બઈ પાછા આવ્યા તો બિમલદાની બીમારી વધી ગઈ હતી અને તે વણથાક્યા ફિલ્મકાર એક વધુ ફિલ્મ શરૂ કરવાનો પ્રોગ્રામ બનાવી ચૂક્યા હતા જેનું નામ એ વખતે 'સહારા' વિચાર્યું હતું.

અને અમૃત કુંભ? મેં પૂછ્યું

'તે તો બનતી રહેશે. ૧૯૬૪માં બાર વર્ષ પૂરા થશે. પૂર્ણ કુંભનો મેળો ફરી ભરાશે. ત્યાર બાદ એ ફિલ્મ પૂરી કરીશું.'

૧૯૬૪ને હજુ વાર હતી અને એવું લાગતું હતું કે બિમલદા પાસે વધુ સમય બચ્યો નથી. 'સહારા' શરૂ થઈ. ત્રણ-ચાર દિવસ શૂટિંગ થયું અને એક દિવસ સેટ છોડીને ગયા બિમલદા તો પછી ક્યારેય સ્ટુડિયોમાં પાછા ન આવ્યા. અચાનક કૅન્સર વધવા માંડ્યું અને તેમની સિગારેટ છૂટી ગઈ. તેમને ખબર પડી ગઈ કે તેમને શું બીમારી છે. હોસ્પિટલમાં અમુક ટેસ્ટ થયા પછી ઇલાજ માટે લંડન લઈ જવામાં આવ્યા પરંતુ બહુ જલદી નિરાશ થઈને પાછા આવી ગયા.

'હું મારા ઘરે જ મરવા માગુ છું' તેમણે કોઈને કહ્યું હતું. આ કપરા સમયમાં અને જદ્દોજહદમાં એક વર્ષથી વધુ સમય નીકળી ગયો. ઑફિસ મોટા ભાગે બંધ રહેવા માંડી. યુનિટે એક ફિલ્મ શરૂ કરી - 'દો દૂની ચાર' નામની, પરંતુ બસ એમ જ કરવા ખાતર. એક અજબ માહોલ હતો. બધા જાણતા હતા કે ગમે તે સમયે બિમલદાના મોતની ખબર આવી જશે. એ ખૌફ પણ હતો અને ઇંતઝાર પણ. એક અજબ લાચારીનો અહેસાસ હતો.

એક દિવસ બિમલદાએ મને બોલાવ્યો અને પૂછ્યું, 'તું અમૃત કુંભની સ્ક્રીપ્ટ પર કામ કરી રહ્યો છે કે નહીં?'

મને સમજાયું નહીં કે હું શું કહું. તેમની તરફ જોતો તો રડવું આવી જતું. શરીર તો તેમનું સાવ ગળી ગયું હતું. સોફાના એક ખૂણામાં કુશન (ઓશીકું) જાણે રાખ્યું હોય. ઉપાડો તો હથેળીમાં આવી જાય.

નારાજ થઈ ગયા. તને કહ્યું હતું. 'બલરામનું મોત બહુ જલદી છે. એ દૃશ્ય ત્યાંથી હટાવીને મેળામાં લઈ જા. જ્યારે નવ દિવસની પૂજા શરૂ થશે તો પહેલે દિવસે તેનું મૃત્યુ થાય છે.'

હું ચૂપ રહ્યો. તેઓ ફરી બોલ્યા, 'કાલથી રોજ સાંજે આપણે સ્ક્રીપ્ટ પર બેસીશું. આ વર્ષે પૂર્ણ કુંભનો મેળો છે, ડિસેમ્બરમાં શરૂ થશે.'

મેં કહ્યું, 'જી હા, ૩૧ ડિસેમ્બરે નવ દિવસની પૂજા શરૂ થશે. જોગ સ્નાનનો દિવસ ૮ જાન્યુઆરી ૧૯૬૫ના હશે.'

'હૂં' કહીને ચૂપ થઈ ગયા.

દૃશ્યમાં ફેરફાર બાદ હું બીજા દિવસે પહોંચ્યો. સ્ક્રિપ્ટ અત્યાર સુધીમાં બિમલદાને કંઠસ્થ હતી. પોતાની કિતાબ મંગાવી. બાઇન્ડિંગ અત્યાર સુધીમાં નીકળી ચૂક્યું હતું. પાનાં ફાટી રહ્યાં હતા. દ્શ્યો પર વધુ ચર્ચાઓ થઈ અને ફરી એ જ બલરામ-

બલરામનું મોત હજુ આગળ લઈ જા. આ પણ બહુ જલદી છે.

મેં દલીલો પણ કરી, પરંતુ ફક્ત તેમનું મન રાખવા માટે.

અસલમાં રાઇટર અને શ્યામા છૂટા પડી જાય ત્યાર પછી આ મોત કરાવી દો. પૂજાના પાંચમા દિવસે. અને જ્યારે મેળામાં શૂટિંગ કરો તો યાદ રાખજો કે સ્ક્રિપ્ટ ફાઇનલ કરવાની સાથે-સાથે બિમલદા શૂટિંગની તૈયારી પણ કરતા જતા હતા. ઘટક બાબુને બહુ બધાં સૂચનો પણ આપવામાં આવી રહ્યાં હતાં અને તેઓ બહુ આજ્ઞાકારીની જેમ એની નોંધ પણ કરતા જતા હતા.

બે-ત્રણ દિવસ બાદ બલરામની મોતમાં ફરી ફેરફાર થયો. સ્ક્રિપ્ટના આરંભમાંથી હવે તે સ્ક્રિપ્ટ આખરી સિકવન્સ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ બિમલદાને કોઈ રીતે તસલ્લી ન થઈ, બે-ત્રણ મહિનાના સમયગાળામાં બલરામ ક્યારેક બે દિવસ પહેલાં ગુજરી જતો 

ક્યારેક ચાર-પાંચ દિવસના શ્ર્વાસ વધુ મળી જતા તેને, પરંતુ ધીમે-ધીમે આ મોત આગળ ખસી રહ્યું હતું. અચાનક એક દિવસ હું ગયો તો બહુ ખુશ થઈને બોલ્યા, 'હવે યોગ્ય જગ્યા મળી એ સીનની. જોગ સ્નાનના દિવસે સવારે પ્હો ફાટતાં જ જ્યારે સૂરજનું પહેલું કિરણ સંગમ પર પડે છે ત્યારે' જોશમાં તેમને થોડી ઉધરસ આવી, તેમનું આખું શરીર ખખડી ગયું, ત્યારે જ્યારે બલરામની મોત થાય છે. આ પહેલું મોત ક્લાઇમેક્સના સ્ટેમ્પેડને સંતુલિત કરશે. બલરામ જોગ સ્નાનના દિવસે જ મરશે.

મેં પણ હોંકારો આપ્યો, ઘટક બાબુએ પણ. બિમલદા બહુ જોશમાં લાગ્યા, 'સુધીશ, એક સિગારેટ દે'

'કેમ શું થયું અચાનક?'

તેઓ બંગાળીમાં વાત કરી રહ્યા હતા, 'અરે, દે ને.'

'નહીં, નહીં સિગારેટ નહીં મળે.'

'કેમ, એનાથી શું થશે?'

'કહ્યુંને મનાઈ છે. ડૉક્ટરે મનાઈ કરી છે.'

બિમલદાની આંખોમાં દફન આંસુ ન બહાર નીકળી શક્યા, ન અંદર ગયા. ત્યાં જ પડ્યા-પડ્યા ધ્રૂજતા રહ્યા. મારાથી બરદાસ્ત ન થયું. હું બહાનું કરીને ઊઠીને ચાલ્યો ગયો અને ફરી ન ગયો. મારાથી તેમની હાલત સહન નહોતી થતી. મારી હાલત પણ બધા જેવી થઈ ગઈ હતી. એક ખૌફ. એક ઇંતઝાર.

૧૯૬૪ ઝડપથી ખતમ થઈ રહ્યું હતું. અને બિમલદા પણ. તેમનું પથારીમાંથી ઊઠવા-બેસવાનું બંધ થઈ ગયું હતું. ઘટક બાબુ છેવટ સુધી તેમની સાથે રહ્યા. રાતભર એ જ ઓરડામાં સૂતા હતા, એક લાંબી આરામખુરશીમાં.

જે રાતે ગુજરી ગયા ઘટક બાબુએ કહ્યું, હું ઉધરસના અવાજથી જાગી ગયો. જોયું તો બિમલ પોતાની પથારીમાં બેસીને સિગારેટ પી રહ્યો હતો. મેં પૂછ્યું, આ શું કરે છે? તો સ્પષ્ટ જવાબ આપ્યો, સિગારેટ પી રહ્યો છું. મેં ઊભા થવાની કોશિશ ન કરી અને ત્યાંથી જ ના પાડી તો કહે, શું થશે? જ્યારે ન પીવાથી કંઈ ન થયું તો પીવાથી શું થઈ જશે? તેને ફરી ઉધરસ આવી શ્ર્વાસ અટકી ગયો. ફરી શ્ર્વાસ આવ્યો. મેં ફરી કહ્યું, 'બિમલ બસ કર, ફેંકી દે, ન પી.'

કેમ, કોઈ પહેલો દિવસ છે? હું તો ઘણા દિવસથી પી રહ્યો છું. આજે તારી આંખ ખૂલી ગઈ તો દાદાગીરી કરી રહ્યો છે? બિમલે આરામથી સિગારેટ પીધી અને સૂઈ ગયો. હંમેશાં માટે, પછી ન ઉઠ્યો.

મને સવારે ખબર મળી તો જાણે આટલા દિવસોથી માથા પર ખૌફની લટકતી તલવાર હટી ગઈ અને શ્ર્વાસમાં શ્ર્વાસ આવતા જ આંસુ સરી પડ્યા. તે તારીખ ૧૯૬૫ની ૮મી જાન્યુઆરી હતી અને એ દિવસ હતો જોગ સ્નાનનો દિવસ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment