Wednesday, 12 October 2016

[amdavadis4ever] શિશુ એટલે જ સ્વ યંભૂ રહેતું અચરજ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શિશુ

તરવરે છે આંખની સપાટી પર જીવ

બોલું બોલું થતો

જગતને સ્પર્શવા મથતો.

જગના પદાર્થો અવાજો મનુષ્યો સુધીનાં અંતરો 

પામી શકે ના. તરવરે કીકી- સપાટી પર આ મ તે મ

ક્ષણમાં કેટલે ઊંડે અંદર દૂર પહોંચી જાય.

સુગમ એ તો અરે એને, 

શબ્દના અંચળા નીચે છુપાવું શકયના જેને

અતલ ઊંડાણ સુગમ એને જે 

નવાણ એ જીવંત રહેશે વાણ જયારે ફૂટશે?

- ઉમાશંકર જોશી

'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન' દ્વારા પદ્યનાટક તરફ જવાનો પ્રયોગ કરનાર કવિ ઉમાશંકર અહીં શિશુની મુલાયમ હથેળીમાં રમતું નાનકડું કાવ્ય રચે છે. સમગ્ર કવિતાને એક જ શબ્દમાં કહેવું હોય તો વિસ્મય પ્રદેશની સફર કરાવતું આ માર્દવપૂર્ણ કાવ્ય છે. ખરેખર, 'મળ્યાં' વર્ષો તેમાં અમૃત લઇ આવ્યો અવનિનુ ની પ્રતીતિ કરાવનાર કવિ પોતાની અનુભૂતિને કયાં કયાં ફેરવે છે? વિસ્મયની પાંખે શિશુ ઊડે છે. હજી ભાવને વ્યકત કરવા વાણી નથી મળી. ફક્ત ઉદ્ગારો જ મળ્યા છે.

અહીં અજર અમર આત્માની વાતમાં કવિને રસ નથી. અહીં તો પૃથ્વી પર ઊતરી આવી સહુપ્રથમ આંખો ખોલીને અપરિચિત તત્ત્વોને પોતાનાં બનાવી લેવાની ગડમથલ કરતો જીવ છે. જે હસે છે, પ્રાપ્તિથી હરખાય છે, નિષ્ફળતાથી રડે છે. શત્રુઓથી ડરે છે. પ્રેમથી જિતાય છે. અને વિચ્છેદનો વલોપાત કરે છે. આવા જીવ સાથે કવિને પણ દોસ્તી છે. 'માઇલોના માઇલો'ને અંદર સમાવનાર કવિ છે. દોડતી ગાડીમાં પણ સ્થિર અચલ રહી શકવાનું ધૈર્ય એમણે પ્રાપ્ત કર્યું છે, પણ શિશુની આંખોમાં ડોકાતો વિસ્મય આજીવન સમજવાનો પ્રયત્ન કર્યો છે. 

'બાળકનાં કંઇ અનંત આશ-ચમકતાં નેનાં

લઇ જઇશ હું સાથે

ખુલ્લા બે ખાલી હાથે.

ખુલ્લા બે ખાલી હાથે?'

કવિના હાથ કયારેય ખાલી હોતાં નથી. શિશુ ધર્મને સમજતું નથી પણ ટગુમગુ પાયે એ સૌંદર્યનાં મર્મને સમજવાનો પ્રયત્ન અવશ્ય કરતું હોય છે. આશ્ર્ચર્ય તો એ વાતનું થાય કે શિશુ પાસે બેઠું હોય તો પણ અવકાશ ટકવા દેતું નથી. એ પોતાના ઉદ્ગારોથી, હાવભાવથી, ક્રીડાથી જીવનને સભર સભર બનાવે છે. તો કવિ અહીં કયા શિશુની વાત કરે છે! શિશુથી થોડાક અંતરે રહીને એ બાળકને કવિ નિહાળે છે. શિશુ એટલે જ સ્વયંભૂ રહેતું અચરજ. એના પ્રશ્ર્નો, એની જિજ્ઞાસા માણસની શાંતિમાં સતત પોતાની અલ્પના આંકયા કરતા હોય છે. બાળક માટેનાં બધાં રમકડાંથી માણસ પણ રમતો હોય છે અને પછી બાળકની લીલાને મન ભરીને નિરખે છે. બાળકની સાથે મોટાંઓનું આવું સુખ પણ જન્મતું હોય છે.

ખળખળ વહેતાં ઝરણાં જેવું ચંચળ બાળક છે. એની દરેક ક્રીડામાં એનો જીવ જાણે આંખોમાં રમતો હોય છે. માણસનો સ્પર્શ ધીમે ધીમે પોતાની સંવેદના ગુમાવતો હોય છે. બાળક પાસે મથામણ છે. બોલતા શીખવાની, ચાલતાં શીખવાની, આસપાસના પદાર્થોને જાણવાની મથામણ એ જુદાં જુદાં માધ્યમોથી કરતું હોય છે. એ ભાષાને કઇ રીતે પોતાની બનાવતું હોય છે! બાળકની ભાષા આપણે શીખવી પડે છે. બાળક ધીમે ધીમે આપણી ભાષાથી પરિચિત થતું હોય છે.

નાનકડા કાવ્યમાં કવિ બાળકનો વિસ્મય વાણીની આસપાસ ઘૂમતો બતાવેે છે. એ બાળક દરેક ક્ષણને પોતાના આનંદથી ભરી દે છે. એની પાસે ભાષા નથી, ઉદ્ગાર છે. આનંદની વિભાવના આ ઉદ્ગારોથી ઘડાય છે. રવીન્દ્રનાથ ટાગોર આવી જ શિશુક્રીડાની મુગ્ધતા જોઇ પોતાની વાણીને આનંદમય બનાવતાં કહે છે, 'માણસમાં ઇશ્ર્વરને શ્રદ્ધા છે માટે જ આ પૃથ્વી પર બાળક જન્મે છે.' ઇશ્ર્વરના સર્જનના સાતત્યને વધાવી લેવાની કવિની આ અનેરી 

રીતિ છે. કવિ દૃષ્ટા છે. બાળકના નિર્દોષ આનંદને વધાવે છે તો માનવની વ્યથા-કથા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે. આવતી કાલનાં રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન માણસ કરે છે, પણ આ ક્ષણના રહસ્યને પામવાનો સફળ-નિષ્ફળ પ્રયત્ન બાળક કરે છે. નિષ્ફળતાને એ રુદનથી ઠાલવી દે છે જયારે સફળતા માટે આનંદસભર કિલકારીઓ હોય છે. આ બંનેને વહાવ્યા પછી ફરી પાછું જગતને સમજવા માટે આતુર હોય છે. એ આતુરતા સહુને સ્પર્શે છે, કારણ જગતનો પરિચય એ દૃષ્ટિથી કે સ્પર્શથી મેળવતું હોય છે. ખાસ તો બાળકનું જગતને જોયા પછી જાગતું આશ્ર્ચર્ય એની આંખમાં તરવરતું હોય છે. આનંદને વ્યકત કરવાની બાળકની રીત નિરાળી છે. બે હથેળીઓ ભેગી કરીને સંભળાતી તાલી એનું પ્રિય સંગીત છે. મોટેરાંઓનું ધ્યાન ખેંચવું હોય કે પોતાનો આનંદ- વિસ્મય પ્રગટ કરવો હોય તો તાળી એનું હાથવગું સાધન છે. 

'બોલું બોલું થતો' આ પ્રક્રિયામાં બોલવાની મથામણ હોવા છતાં ગમતી મથામણ છે. એની દર્શનની ક્ષમતા કેટલી ઊંડી છે! એ ક્યારે સપાટી છોડીને અંદર દૂર સુધી પહોંચી જાય છે એ પકડવું મુશ્કેલ છે. શબ્દના અંચળા નીચે ભાવને છુપાવવાની કરામત મનુષ્ય પાસે છે એ પ્રજામાં બાળક કઇ રીતે અળગું રહેવું એ જાણે છે. આમાં કોઇ તાત્ત્વિક દર્શન નથી. બાળકને જેમાં રસ નથી પડતો એનો નિખાલસતાથી અસ્વીકાર કરે છે કારણ શબ્દનો અંચળો ઓઢીને જગતમાં ફરવાનો દંભ હજુ એની પાસે નથી આવ્યો. એ ઊંડાણ સુધી પહોંચે છે પણ કોઇ આવરણથી કે ઢાંકપિછોડાથી પોતાની જાતને અલગ રાખતું નથી. કાવ્યને અંતે કવિના અંતરમાંથી જાગતો પ્રશ્ર્ન આપણને પણ ફરી વિચાર કરવા પ્રેરે છે. શબ્દના અતલ ઊંડાણ સુધી પ્રવેશતી બાળકની મુગ્ધ દૃષ્ટિ ક્યાં સુધી જીવંત રહેવાની છે! જ્યાં સુધી એ ઉદ્ગારને વાણીનું રૂપ નહી આપે ત્યાં સુધી? અહી કવિ વાણીના ઉદ્ગાતા હોવા છતાં વાણીનો પક્ષ નથી લેતાં આ વાણીમાં 'મા નિષાદ'નો આદ્યકવિનો અભિશાપ એમને ચિંતિત કરે છે. આ કેવી મંજિલ છે, આંખની સપાટી પરથી કીકીમાં નાચતો આ બાળકનો જીવ છે પણ એક માણસ અને બીજા માણસ વચ્ચે સર્જાતું અંતર એ દૂર કરી શકતો નથી. જગતના અનુભવો લેતાં લેતાં એની કીકી આ મ તે મ ઘૂમતી રહે છે. કીકીનું ઘૂમવું વધુ તાદૃશ બને. એ માટે કવિ આમતેમ શબ્દને પણ તોડે છે. કલાપારખુ કવિની દૃષ્ટિ જ આ રીતે સંવેદનાને શબ્દમાં ઉતારી શકે છે. અત્યારે તો બાળક પાસે એક જ ઇન્દ્રિય કર્મરત છે અને તે છે એની આંખો. એ આંખ જ બાળકની જાગેલી ચેતના છે. એની વાણીનું પણ પ્રતીક છે. એક ક્ષણમાંથી બીજી ક્ષણમાં જતું બાળક વિસ્મયસભર આનંદનો સેતુ બનાવતું હોય છે પણ એય અજાણતાં.

શબ્દના અંચળા હેઠળ ભાવને ન છુપાવવાની લાક્ષણિકતા કવિ ઉમાશંકરની છે. માનવજીવનનાં અને માનવહૃદયનાં અનેક રહસ્યો કાવ્યમાં પ્રગટ કરવા છતાં કવિ ચેતનાને જાળવનારા ગાંધીયુગના સમર્થ કવિને એમની જ રચનાથી વંદીએ,

'વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી

વિશ્ર્વાન્તરે પ્રાણપરાગ પાથરું,

પાંખો પ્રકાશે- તિમિરે ઝબોળી

સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment